જૂનાગઢના યુવાનોએ નેચર ફર્સ્ટ(પ્રથમ પ્રકૃતિ)ના માધ્યમથી જંગલ માટે સેવાની ધૂણી ધખાવી

0

છેલ્લા લાંબા સમયથી જાહેર કાર્યક્રમો વખતે ખાસ કરીને સરકારી સંસ્થાઓ અને નેતાઓ પ્રકૃતિની ખૂબ ચિંતા કરતા હોય તેવું ભાષણો આપીને સતત પ્રયત્ન કરતા રહે છે અને ક્યારેક સાહેબને ખૂબ ચિંતા વધે ત્યારે એકાદ ફોટોસેશન જેવા કાર્યક્રમનું આયોજન કરી પ્રકૃતિ માટે ઘણું બધું કરી લીધાનો સંતોષ માની લે છે. જ્યારે બીજી તરફ નેચર ફર્સ્ટ નામથી સંસ્થા શરૂ કરી સતત પ્રકૃતિનું જતન કરવાના વિચારો જનમાનસ ઉપર પ્રસ્થાપિત કરવા આ સંસ્થાના સંસ્થાપક ડો. એન.પી. પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ચાર જિલ્લાઓમાં તન, મન અને ધનથી પ્રકૃતિની સેવા કરે તેવા યુવાનોની ટીમો ઊભી કરી પ્રકૃતિનું જતન શરૂ કરવામાં આવ્યું છે, જંગલ સફાઈની સાથે સાથે વૃક્ષારોપણ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, ગત પ્રકૃતિ દિવસથી આ સંસ્થા સાથે જાેડાયેલા તમામ યુવાનોએ એક લાખ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો પ્રણ લીધો હતો અને આ યુવાનો કામે લાગી ગયા હતા. ગુજરાતના ગાંધીનગર, પાટણ, ભાવનગર અને જૂનાગઢની ટીમો લોકોને આ બાબતે જાગૃત કરવા પ્રયત્નો કરી ચોક્કસ જગ્યા નક્કી કરી ત્યાં વૃક્ષ વાવી અને તેના જતન માટે કોઈને જવાબદારી સોંપવામાં આવે છે અને આના માટે જાે કોઈ વ્યક્તિ તૈયાર ના થાય ત્યારે આ વૃક્ષના ઉછેરની જવાબદારી ખુદ સંસ્થાના યુવાનો માથે લે છે, આ ઉપરાંત અભિયાન અંતર્ગત ગત પ્રકૃતિ દિવસથી શરૂ કરી જૂનાગઢની ટીમે શહેરના અલગ-અલગ મંદિર તેમજ સંસ્થાઓની મદદ લઈને ૨૪ હજાર તુલસીના રોપાઓનું વિતરણ કરી તેના જતન ઉપરાંત તેમના આયુર્વેદિક ઉપયોગ માટે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જૂનાગઢના યુવાનોની ટીમ છેલ્લા એક વર્ષથી દરેક ઋતુમાં મુંગા મોઢે જંગલ ખૂંદીને પ્રકૃતિની સેવા કરી છે, છેલ્લા ૫૩ સપ્તાહથી દર રવિવારે નેચર ફર્સ્ટના માધ્યમથી પ્રકૃતિનું જતન અંતર્ગત ગિરનાર જંગલના અલગ-અલગ વિસ્તારોમાં દર રવિવારે પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત નેચર ફર્સ્ટની ટીમ દ્વારા વિલિંગન્ડ ડેમ તથા દાતારની સીડી આસપાસના જંગલ વિસ્તારમાં ૫૩મું પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન યોજવામાં આવ્યું હતું અને આ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન દરમ્યાન આશરે ૬૫ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થો જંગલ વિસ્તારમાંથી એકત્ર કરી તેનો નાશ કરાયો હતો. ત્યારે પ્રકૃતિની સતત સેવા કરતી આ સંસ્થાના સંસ્થાપક ડો. એન.પી. પટેલના માર્ગદર્શન હેઠળ ગિરનારના જંગલમાં પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવનાર ભરતભાઈ બોરીચા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમની સંસ્થાના યુવાનો દ્વારા છેલ્લા ૫૩ સપ્તાહ દરમ્યાન ગીરનાર જંગલ વિસ્તારમાંથી આશરે ૧૨ ટન જેટલાં પ્લાસ્ટિકનો જથ્થો એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો છે. તેમજ વધુમાં તેમણે પોતાની વાતમાં લોકો માટે એક સંદેશ આપ્યો હતો કે, પ્લાસ્ટિક એ પ્રકૃતિ માટે ઝેર સમાન તો છે જ પણ સાથે સાથે પ્લાસ્ટિક મનુષ્ય સહિત પ્રકૃતિના સંતાન સમા દરેક જીવને નુકશાન કરી રહ્યું છે, માટે દરેક વ્યક્તિ પોતાની નૈતિક ફરજ માની કોઈપણ પ્રકારના બાહ્ય આડંબરો કે ફોટો સેશનનો મોહ છોડી આના માટે થોડો સમય ફાળવે તો એ સમય સમાજની ભાવિ પેઢી માટે ગણાશે અને તે આવનારા સમયની જરૂરિયાત પણ છે, નહીંતર આવનાર સમયમાં આપણે આપણી ભાવી પેઢીને વામન તેમજ કુપોષિત સ્વરૂપે જાેવાનો વારો આવશે, જેમાં મીનમેખ નથી તાજેતરમાં આવેલ કોરોના મહામારીએ પ્રકૃતિ દ્વારા આપવામાં આવેલ એક રેડ સિંગ્નલ જેવું પણ ગણી શકાય જેથી મનુષ્ય પાસે હજુ સમય છે, ભાવિ પેઢીને ઉત્તમ સ્વાસ્થ્ય વર્ધક કુદરતી સંપદાનો વારસો આપવા માટે દરેકે કમ સે કમ સપ્તાહમાં એક દિવસ દરેક માણસે પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાંથી છુટકારો મેળવવા પ્રયત્નો કરવા જાેઈએ. તેમજ નેચર ફર્સ્ટના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારા માટે “પ્રથમ પ્રકૃતિ” બીજું બધુ પછી એટલે જ અમે નેચર ફર્સ્ટના નામથી છેલ્લા એક વર્ષથી પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવીએ છીએ અને અમારી સંસ્થા સતત પ્રકૃતિનું જતન કરતી આવી છે, અને કરતી પણ આવશે પ્રકૃતિનું જતન કરી સમાજની સેવા કરવી એને અમારી નૈતિક ફરજ માની અમારી સંસ્થા દરેક દિવસને પ્રકૃતિનો દિવસ માને છે, જેના ભાગરૂપે ગીરનારના જંગલ વિસ્તારમાં અમારી સંસ્થાએ ૫૩મું સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન હાથ ધર્યું હતું. તેમજ સાથે સાથે યુવાનોએ જાહેર જનતા માટે સંદેશ આપતી વખતે ખાસ વાત ઉચ્ચારી હતી કે, ગીરનાર જંગલ વિસ્તારમાં રજાના દિવસો દરમ્યાન હરવા-ફરવા અને પ્રકૃતિની મજા માણવા આવતા લોકો પણ થોડી જાગૃતિ લાવી જંગલ વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સાફ-સફાઈના કરી શકે તો વાંધો નથી પરંતુ પ્રકૃતિનો ખોળો ફક્ત માનવ જીવન માટે નહી પરંતુ આ ખોળામાં કુદરતે સર્જન કરેલા અનેક પશુ-પક્ષીઓ સંપૂર્ણ ઈશ્વરને આશ્રિત જીવન જીવે છે, તેમના જીવનની ચિંતા કરી પ્રકૃતિને નુકસાનકારક પ્લાસ્ટિકનો કચરો ન કરે તેવો અનુરોધ આ યુવાનોએ પોતાની વાતના અંતે કર્યો હતો. ત્યારે નેચર ફર્સ્ટની આ સારી અને બિરદાવા લાયક કામગીરીને જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા દર અઠવાડિયે પોતાના ટ્‌વીટર ઉપર નેચર ફર્સ્ટની કામગીરી અંગે ટ્‌વીટ કરીને આ યુવાનોને પ્રોત્સાહિત પણ કરે છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા સહિત અન્ય બે ત્રણ સંસ્થાઓ દ્વારા પણ આ ઉમદા કાર્યની નોંધ લઇ નેચર ફર્સ્ટ સંસ્થાને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!