ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલા સોનલ માતાના મંદિરના પટાંગણમાં ચારણ-ગઢવી સમાજ દ્વારા વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના માતાજી, સંતો, મહંતો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તેમજ લોકોમાં એકતાની ભાવના જાગૃત થાય અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”નું સ્વપ્ન સાકાર કરવામાં ચારણ સમાજના બાળકો પણ ઉત્સાહી રીતે આગળ આવે તેવા ઉમદા આશય સાથે સમાજના તમામ લોકો દારૂ-જુગાર જેવા તમામ વ્યસનથી મુક્ત રહે તેવા શુભ હેતુથી ઉપસ્થિત આગેવાનોએ તમામ લોકોને પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આ સાથે ચારણ સમાજ દ્વારા પારંપારિક ચારણી રમત(રાસોત્સવ) પણ યોજાયો હતો. આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરના જુદા-જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાંતિપૂર્વક માહોલ અને ધાર્મિક વાતાવરણમાં આ ધર્મસભા યોજાઈ હતી. આ સ્થળે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ બોટલ રક્ત એકત્ર થયું હતું. આ પ્રસંગે રાત્રે ભજન-સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જાણીતા કલાકારોએ ભજન, ધૂનની રમઝટ બોલાવી હતી. આ ધર્મોત્સવમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ, ધર્મપ્રેમી જનતા જાેડાયા હતા. આ સમગ્ર આયોજન માટે શ્રી સોનલ શક્તિ યુવા મંડળના કાર્યકરો, યુવાનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.