રાજયની ગ્રાન્ટેડ શાળાઓનાં સંચાલકોએ પણ સરકાર સામે આક્રમક વલણ અખત્યાર કરી અણઉકેલ પ્રશ્નો ન ઉકેલાય તો શાળાઓને તાળાબંધીનું આહવાન કર્યું છે. તાજેતરમાં ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળની સામાન્ય સભા આણંદમાં મળી હતી. આ સામાન્ય સભામાં ૪ર૮ પૈકી ૬૦ ટકા જેટલા હોદ્દેદારો અને પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળા સંચાલકો પણ હાજર રહ્યા હતા. સભામાં મુખ્યત્વે શાળાઓમાં ખાલી પડેલી શૈણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળા સંચાલકોની નારાજગી અને વર્તમાન શિક્ષણની પોલીસી સામે જબરદસ્ત રોષ જાેવા મળ્યો હતો. સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓને લઈને છણાવટ થઈ હતી અને ત્યારબાદ ઠરાવો પણ કરવામાં આવ્યા હતા. જેમાં રાજયની ગ્રાન્ટેડ શાળાઓમાં ર૦૦૯થી કલાર્ક, સેવક અને ગ્રંથપાલની ભરતી થઈ નથી, તે ભરતી જુની પધ્ધતિ-જુની જાેગવાઈ અને જુની શૈક્ષણિક લાયકાત મુજબ ગ્રાન્ટેડમાં દર્શાવેલી પસંદગી સમિતિ દ્વારા કરવા દેવાની છુટછાટ આપતા હુકમો કરવામાં આવે તે માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રાજયમાં ૧૮ હજાર જેટલા અનુભવી શિક્ષકો અગાઉની એચએમએટીની પરીક્ષા પાસ કરીને આચાર્યની ભરતીની જાહેરાત ગ્રાન્ટેડ શાળાઓમાં થાય તેની રાહ જાેઈને બેઠા છે. અંદાજે ૩ હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યાઓ ખાલી છે ત્યારે જુની પધ્ધતિથી જે તે જીલ્લાનાં જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાસેથી આચાર્ય ભરતીનું ના વાંધા પ્રમાણપત્ર મેળવીને વર્તમાન એચએમએટી અનુભવી શિક્ષકોમાંથી આચાર્ય સંપન્ન કરવા માટે પણ શાળા મંડળને છુટછાટ આપવામાં આવે તે માટે પણ ઠરાવ કરાયો હતો. પરિણામ આધારીત ગ્રાન્ટ નીતિને રદ કરીને અન્ય પધ્ધતિની અમલવારી થાય તથા વર્તમાન ગ્રાન્ટ જે વર્ગ સંખ્યાની સામે ચૂકવાય છે, જેમાં ૧ થી પ વર્ગોની શાળાઓને પ હજાર પ્રતિમાસ, પ્રતિવર્ગ અને ૬ થી ૩૦ વર્ગોની શાળાઓને ૪પ૦૦ પ્રતિ માસ, પ્રતિવર્ગ અને ૩૧થી વધુ વર્ગ સંખ્યા ધરાવતી શાળાને રૂા.૪ હજાર ગ્રાન્ટ વર્તમાન મોંઘવારીને ધ્યાને લઈને ચૂકવવામાં આવે તેવી રાજય શાળા સંચાલકોની માંગણી અંગે પણ ઠરાવ સામાન્ય સભામાં કરવામાં આવ્યો હતો. રાજયમાં અંદાજે ૪ હજાર જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.૯નાં ૧ વર્ગ અને ધો.૧૦નાં એક વર્ગ મળીને કુલ ર વર્ગોની શાળાઓમાં વર્તમાન વર્ગદીઠ શિક્ષકોનાં રેશિયાને કારણે ૩નો શૈક્ષણિક સ્ટાફ મળવાપાત્ર છે. જેની સામે ૧ સ્વતંત્ર આચાર્ય અને ૩ શિક્ષકોનું મહેકમ નવી શિક્ષણ નીતિની અમલવારી માટે આવશ્યક હોવાથી ર વર્ગોની શાળાઓમાં ૪નું મહેકમ જાહેર કરવા માટે પણ ઠરાવ કરાયો છે. આ અંગે શાળા સંચાલક મંડળનાં પ્રમુખ ભાસ્કર પટેલે તમામ ઠરાવ અંગે રાજયનાં શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરી છે. સંચાલક મંડળ દ્વારા એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, જાે તેમનાં પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહી આવે તો ના છૂટકે રાજયની ગ્રાન્ટેડ શાળાઓને તાળાબંધી કરવામાં આવશે. સંચાલક મંડળની સામાન્ય સભામાં આ અંગે પણ ઠરાવ કરાવમાં આવ્યો છે. ભૂકશળમાં પણ સંચાલક મંડળનાં પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરી પતાવટ કરવામાં આવી હતી, તે જ રીતે આ પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરાઈ છે.