જૂનાગઢમાં બોગસ ઇન્કમટેક્ષ રિટર્નના આધારે લીકર પરમીટ કઢાવ્યાનું કૌભાંડ ખુલ્યું

0

જૂનાગઢમાં લીકર પરમીટ મેળવવા માટે બોગસ ઇન્કમટેક્ષ રિટર્ન બનાવીને તેને રજુ કર્યાનો ભાંડાફોડ થયો છે, નશાબંધી શાખા દ્વારા એક આવા જ કેસની તપાસ દરમ્યાન સમગ્ર કૌભાંડ સામે આવતા ૧૧ જેટલા આવા અરજદારોના નામ ખુલતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો નશાબંધી શાખાએ એક અરજદાર, એક એકાઉન્ટન્ટ સહિત ત્રણ શખ્સો સામે ગુન્હો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જૂનાગઢ નશાબંધી અને આબકારી શાખાના અધિક્ષક બલભદ્રસિંહ જાડેજાએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હરેશ કેશવ સવાનીયા(રહે.છારા જાપા, કોડીનાર), નરેશ રામચંદ વાસવાણી (રહે.ગીરીરાજ સોસાયટી, વૃંદાવન એપાર્ટમેન્ટ) અને માંગનાથ રોડ ઉપર રિધ્ધિ-સિધ્ધી કોમ્પલેક્ષમાં દુબે એકાઉન્ટન્ટ નામની ઓફીસ ધરાવતા હરેશ દુબે(રહે.શ્રીનાથ નગર, ગીરીરાજ સોસાયટી) વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં અપાયેલ વિગતો અનુસાર નશાબંધી શાખામાં લિકર પરમીટ માટે અરજદાર દ્વારા ગત ૩૦મી નવેમ્બર ૨૦૨૦ના રોજ તેમની લિકર પરમીટની મુદત પૂરી થતા તેઓએ તા.ર માર્ચ ૨૦૨૧ના રોજ નશાબંધી શાખામાં તેમની પરમીટ રીન્યુ કરવા માટે અરજી કરી હતી, જેમાં અરજદારે રજુ કરેલા ૨૦૧૬-૧૭નું ઇન્કમટેક્ષ રિટર્નમાં તેમની વાર્ષિક આવક ૩,૮૧,૭૨૦ દર્શાવી હતી, તેનું વેરિફ્ટેશિન કરતા તેઓએ અગાઉની પરમીટ વખતે ૨૦૧૬-૧૭ના રિટર્નમાં આવક ૨,૮૧,૭૨૦ દર્શાવી હતી. જે સમાન વર્ષના અલગ અલગ આવક દર્શાવતા રિટર્ન રજુ કરેલ હોવાનું સામે આવતા તેઓને સાચું રિટર્ન રજુ કરવા નશાબંધી વિભાગ દ્વારા નોટીસ આપી હતી, પરંતુ તેઓ રજુ કરવા ન આવતા અંતે તેઓનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં હરેશ સવાનિયા એ કબુલાત કરી હતી કે, તેમનું રજુ કરેલું ઇન્કમટેક્ષ રિટર્ન ખોટું છે. ગીરીરાજ સોસાયટીમાં રહેતા નરેશ વાસવાણીએ એકાઉન્ટન્ટ હરેશ દુબે પાસે આ બોગસ રિટર્ન તૈયાર કરાવ્યું હોવાનું અને તેના બદલામાં ૪૫ હજાર રૂપિયા લીધા હોવાનું જણાવ્યું હતું. રિટર્નમાં બગડાની જગ્યાએ ત્રગડો કરીને આખું કૌભાંડ આચરાયું હોવાનું તપાસ દરમ્યાન પ્રકાશમાં આવ્યું હતું. આ તમામ વિગતોના આધારે નશાબંધી શાખાએ ફરિયાદ નોંધાવી હતી. નશાબંધી શાખાના અધિક્ષક દ્વારા અપાયેલી ફરિયાદના આધારે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આઇ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૯૭, ૧૨૦(બી) અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એ.પી ડોડીયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

error: Content is protected !!