શેઠ વડાલાની સહકારી મંડળીની વેરા વસુલાત માટે ગોડાઉનને બેંક દ્વારા સીલ મરાયું

0

જામનગર વિસ્તારની અગ્રણી બેંક જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક દ્વારા તેમને લેવાની થતી રૂપિયા ૫૦ લાખની રકમની વસૂલાત માટે જામજાેધપુર તાલુકાની એક સહકારી મંડળીના ગોડાઉન તથા દુકાનમાં સીલ મારવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના જામજાેધપુર તાલુકાની શેઠ વડાલા સેવા સહકારી મંડળી પાસેથી જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકને લાંબા સમયથી લેવાની થતી રૂપિયા ૫૦ લાખની રકમ માટે બેંક દ્વારા સમયાંતરે લેખિત ઉઘરાણી કરવામાં આવી હતી. પરંતુ મંડળી દ્વારા બેંકને ચૂકવવાની થતી રકમ કોઈ કારણોસર ચૂકવી ન શકતા આખરે બેંકે કડક વલણ અખત્યાર કરી અને મંજૂરી મેળવ્યા બાદ આ મંડળીની માલિકીનું રૂપિયા ૨૦ લાખની કિંમતનું ગોડાઉન તેમજ યાર્ડમાં રહેલી રૂપિયા ૩૦ લાખની કિંમતની દુકાનમાં પોતાનું તાળું મારી આ બંને મિલકતોનો કબજાે સંભાળી લીધો હતો. આગામી સમયમાં આ બંને મિલકતની હરાજી કરીને બેન્ક દ્વારા પોતાના લેણાની વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આટલું જ નહીં, આ મંડળીના હોદ્દેદારો અને મંત્રી સામે ફ્રોડ કરવા બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત અન્ય ત્રણ મંડળીનું દફતર પણ સ્થાનિક મામલતદારને સાથે રાખીને કબજે કરવામાં આવશે. જેમાં પણ સંડોવાયેલા કર્મચારીઓ અને હોદ્દેદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા દ્વારા વધુમાં જણાવાયું છે. આ બેંકની જામ જાેધપુર તાલુકાની શાખાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને કર્મચારીઓને નિયમિત રહેવા તેમજ નિષ્ઠાપૂર્વક કામ કરવા અંગેનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ બેંકની આ કડક કાર્યવાહીથી સમગ્ર પંથકના આ બેંકને લગતા ભ્રષ્ટાચારી તત્વો તેમજ સમયસર લેણું ન ચૂકવતા આસામીઓમાં દોડધામ મચી જવા પામી છે.

error: Content is protected !!