આગામી રવિવારે સર્વે પિતૃ અમાસનું પર્વ હોય આ પર્વે મૃતાત્માઓનાં મોક્ષાર્થે વિવિધ ધામિર્ક કાર્યક્રમ તેમજ પિતૃતર્પણ વિધિનાં કાર્યક્રમો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં યોજવામાં આવશે. પ્રાચી તિર્થધામ, જૂનાગઢનાં સુપ્રસિધ્ધ દામોદરકુંડ, સિધ્ધપુર પાટણ સહિતનાં સ્થળોએ વિધ્વાન પંડિતોનાં માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોકત વિધિ સાથે પિતૃતર્પણનાં કાર્યક્રમ યોજાશે તેમ જાણવા મળે છે. શ્રધ્ધાપક્ષ શરૂ થતાં જ છેલ્લા ૧૧ દિવસથી લોકો પોતાના સ્વજનો કે જે મૃત્યુ પામેલ છે તેવા સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ, પિંડદાન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એવું વિધાન છે કે આપણા સ્વજનો જે મૃત્યુ પામેલા છે તેવા વડિલો કે સ્વજનોનું આપણા માથે ઋણ રહયું હોય છે અને શાસ્ત્રોકત અનુસાર જુદા જુદા આ ઋણ આપણી માથે રહેલા હોય જે ઋણમાંથી મુકત થવા માટે તેઓનું શ્રાધ્ધ કરવું જરૂરી છે. ઘણા આત્માઓ એવા હોય છે કે સ્વજનોની અંતિમ ઈચ્છા પુર્ણ થઈ ન હોય ત્યાં જ તેઓનું મૃત્યુ થયું હોય તો આવા મૃત્યુ પામેલા સ્વજનોની મોક્ષ માટે વિધિ વિધાનથી શ્રાધ્ધ કરવું જરૂરી છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જરૂરી છે. છેલ્લા ૧૧ દિવસથી શ્રાધ્ધ પક્ષની ભકિતભાવ પૂૂર્વક લોકો શ્રાધ્ધ કર્મ કરી રહયા છે. આજે ૧૧-૧ર નું શ્રાધ્ધ છે જેમાં સન્યાસીનાં શ્રાધ્ધ, શિવયોગ સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે જયારે આવતીકાલે ૧૩ (તેરસ)નું શ્રાધ્ધ, શનિવારે અકસ્માત, અસ્ત્ર-શસ્ત્રથી મૃત્યુ પામેલાઓનું શ્રાધ્ધ અને રવિવારનાં દિવસે અમાસ એટલે સર્વે પિતૃ દિવસ ગણાય છે અને તેનું ખૂબજ મહત્વ ગણાય છે અને જૂનાગઢનાં દામોદરકુંડ ખાતે આ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો પિતૃતર્પણ વિધિ માટે ઉમટી પડનાર હોય તેને લઈને તૈયારીઓ હાથ ધરાઈ છે.