જૂનાગઢમાં ગિરનાર પર્વતમાંથી નીકળેલ સોનરખ નદી જ્યાં આવે છે ત્યાં આવેલા દામોદર કુંડમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિકો પિતૃ તર્પણ માટે ઉમટી પડ્યા હતા. સર્વપિતૃ અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડવામાં આવે છે અને તીર્થ ગોર મહારાજ દ્વારા શાસ્ત્રોક વિધિ અનુસાર પિતૃ તર્પણ પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, તમે કોઈ પણ તીર્થયાત્રા કરી હોય પણ જયાં સુધી દામોદર કુંડમાં સ્નાન કરવામાં ના આવે ત્યાં સુધી તમને કોઈ પણ તીર્થયાત્રાનું પુણ્ય પ્રાપ્ત થતું નથી. ભક્ત કવિ નરસિંહ મહેતા જ્યાં રોજ પ્રભાતિયાં ગાતા અને શ્રી કૃષ્ણ ભક્તિ કરતા તેવા દામોદર કુંડનો મહિમા આજે પણ છે. એક એવી પણ પૌરાણિક માન્યતા છે કે દામોદર કુંડમાં જ્યારે અસ્થિ વિસર્જન કરવામાં આવે છે ત્યારે અસ્થીનું પણ પાણીમાં ઓગળીને વિસર્જન થતું હોય તેવું ચમત્કારીક તીર્થધામ માત્ર એક જૂનાગઢમાં છે.