ભાવનગરમાં રૂા.૬૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગર ખાતે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના રૂા.૬,૫૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદબોધનની શરૂઆત કરી તે સમયે સમગ્ર જનમેદનીએ હર્ષનાદથી તેમને વધાવી લીધા હતા. વડાપ્રધાનએ ઉપસ્થિત સૌ લોકોને નવરાત્રિની શુભકામના પાઠવીને ઉદબોધન કરતા કહ્યું હતું કે, હું લાંબા અંતરાલ બાદ ભાવનગર આવ્યો છું. ભાવનગરે મારા ઉપર જે આશીર્વાદ વરસાવ્યા છે તેને હું કયારેય નહીં ભુલી શકુ, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે સૌ લોકોને મારા શત શત નમન. આ કાર્યક્રમ વિશેષ છે કારણ કે, દેશ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને ભાવનગર પણ તેની સ્થાપનાના ૩૦૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. કરોડો રૂપિયાના પ્રોજેક્ટનાં લોકાપર્ણ અને શિલાન્યાસ થઇ રહ્યા છે. જેનાં કારણે ભાવનગરની વિકાસયાત્રાને નવો આયામ મળશે અને ભાવનગરની ઓળખ વધુ સમૃદ્ધ થશે. આ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિંચાઇ યોજનાઓ ખેડૂતોની સમૃદ્ધિમાં વધારો કરશે. અહીં બનેલા રિજીયોનલ સાયન્સ સેન્ટરના કારણે ભાવનગરની શિક્ષા અને સંસ્કૃતિના પાટનગર તરીકેની ઓળખને વધુ મજબૂતી મળશે.