જૂનાગઢ જીલ્લાના માણાવદર નજીક ખાંભલા ગામ તરફ જતા મામાદેવના મંદિર પાસે રોડ ઉપર કાર પલ્ટી જતા મૃત્યુંનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે માણાવદર પોલીસે આપેલી વિગત અનુસાર કુતિયાણા તાલુકાના અમીપુર ગામના અરવિંદભાઈ ભીખનભાઈ વાઢીયા(ઉ.વ.ર૪)એ પોલીસમાં કરેલી જાહેરાત મુજબ અનિલભાઈ ભીખનભાઈ વાઢીયા પોતાના હવાલાની મોટરકાર ચલાવી અને જઈ રહ્યા હતા તે દરમ્યાન આ મોટરકાર પલ્ટી ખાઈ જતા તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને ચાલકનું મૃત્યું થયું હતું તેમજ સાહેદ કમલેશભાઈને કમરના ભાગે ઈજા પહોંચાડયાની પોલીસને જાણ કરવામાં આવતા માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માણાવદર નજીક મોટરસાઈકલનું ટાયર ફાટતા અકસ્માત : એકનું મૃત્યું
માણાવદર તાલુકાના આંબલીયા ગામના ભીખુભાઈ ઉર્ફે ભીખાભાઈ કાનાભાઈ ભેડા(ઉ.વ.પ૦)એ પોલીસમાં એવા મતબલની જાણ કરી છે કે, આંબલીયા ગામના અરજણભાઈ કાનાભાઈ ભેડા(ઉ.વ.૪૩) પોતાના હવાલાની મોટરસાઈકલ ચલાવીને જતા હતા આ દરમ્યાન માણાવદરથી બાંટવા રોડ ઉપર જતા હતા તે દરમ્યાન તેઓની મોટરસાઈકલનું ટાયર અચાનક ફાટતા મોટરસાઈકલ ઉપરનો કાબુ ગુમાવતા રોડ ઉપર પડી જતા તેમને માથાના તથા શરીરના ભાગે ઈજા થતા તેમનું મૃત્યું થયું છે. માણાવદર પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ તાલુકાના વડાલ નજીક ફોરવ્હીલે મોટરસાઈકલને ઠોકર મારતા અકસ્માત : એકનું મૃત્યું
જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર અશોક વાટીકા શેરી નં-૧૭ આકૃતિ એપાર્ટમેન્ટ બ્લોક નં-૪૦૧માં રહેતા વ્રજલાલ શામજીભાઈ વાછાણી(ઉ.વ.પર)એ અજાણ્યા ફોરવ્હીલ ચાલક વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આરોપીએ તેના હવાલા વાળી ફોરવ્હીલ કાર પુરઝડપે ચલાવી અને ફરિયાદીના હવાલા વાળી મોટરસાઈકલને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. તેમાં ફરિયાદીના પત્નીને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યું થયું છે. જયારે ફરિયાદીને ઈજા પહોંચી છે. દરમ્યાન અકસ્માત સર્જી અજાણ્યા ફોરવ્હીલ ચાલક નાસી ગયો હતો. જેના વિરૂધ્ધ તાલુકા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.