શિક્ષણ સહાય પાસ કરવા ૮,૦૦૦ની લાંચ લેતા શ્રમયોગી બોર્ડની કચેરીના કર્મીને એસીબીએ ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ આ કામના ફરીયાદીનો પુત્ર એગ્રીકલ્ચર બી.ટેકમાં અભ્યાસ કરે છે. જે અનુસંધાને શિક્ષણ સહાય મેળવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી, જૂનાગઢ ખાતે પોતાના એડવોકેટ મારફત અરજી કરેલ હતી. આ અરજી સહાય પાસ કરવાની અવેજમાં આરોપી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી, જૂનાગઢના ડેટા ઓપરેટર- આઉટ સોર્સિંગ કર્મી મિલનભાઈ કેશવલાલ કટારીયા(ઉ.વ. ૩૨)એ ફરિયાદીના એડવોકેટ પાસે પ્રથમ રૂપિયા ૧૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂપિયા ૮,૦૦૦ લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું. જાેકે, લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ પોતાના એડવોકેટ સાથે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. બાદમાંં સુપરવિઝન અધિકારી અને લાંચ રૂશ્વત બ્યુરોના મદદનીશ નિયામક બી.એલ. દેસાઇના માર્ગદર્શનમાં એસીબી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ જે.એન. સોલંકીએ અને ટીમે જૂની સિવિલ હોસ્પિટલ, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી, જૂનાગઢ ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદીના એડવોકેટ સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂા. ૮૦૦૦ પંચ- ૧ ની રૂબરૂમાં સ્વિકારી લેતા તેને ઝડપી લીધો છે.