પીજીવીસીએલના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનારા ગાંગડી ગામના સરપંચની અટકાયત : જેલ હવાલે કરાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં મુકાયેલા વિનાશક વાવાઝોડા બાદ પીજીવીસીએલ તંત્રનો સ્ટાફ તેમની પી.જી.વી.સી.એલ.ની લાઈનો પુનઃ સ્થાપિત કરવાની કામગીરીમાં જાેડાયેલો હતો, તે દરમ્યાન કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે સ્થાનિક સરપંચ દ્વારા આસિસ્ટન્ટ લાઈનમેનને બિભત્સ ગાળો કાઢી, ફરજમાં રૂકાવટ કરતા કલ્યાણપુર પોલીસે આરોપી સરપંચની અટકાયત કરી લીધી હતી. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના તમામ વિસ્તારોમાં વાવાઝોડા તથા ભારે વરસાદના કારણે વીજ વાયરો તૂટી ગયા હોય, જેથી કલ્યાણપુર ડિવિઝનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ લાઈનમેન સુલેમાનભાઈ હાસમભાઈ ચૌહાણ નજીકના દેવળીયા ગામે રીપેરીંગ કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન ગાંગડી ગામના સરપંચ કારા રણમલભાઈ ચેતરીયાએ આ સ્થળે આવી અને લાઈનમેન સુલેમાનભાઈ ચૌહાણને કહેલ કે અમારા ગામની વીજ લાઈન કેમ ચાલુ નથી કરતા? અને અમારા ગાંગડી ગામની વીજ લાઈન રિપેર કરવાની છે. તેમ કહી, ફરિયાદી સુલેમાનભાઈ સાથે ઉશ્કેરાઈ અને “આ કામ બંધ કરો. અમારા ગામની લાઈનનું કામ ચાલુ કરો”- તેમ કહી, બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢી હતી. એટલું જ નહીં, આરોપી શખ્સએ લાઈનમેનને બે ફડાકા ઝીંકી, અને મૂઢમાર પહોંચાડતા આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૧૮૬, ૩૩૨ તથા ૫૦૪ મુજબ ગુનો ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે કલ્યાણપુરના પી.એસ.આઈ. એમ.આર. સાવસેટા તથા સ્ટાફ દ્વારા આ અંગે તાકીદની કાર્યવાહી કરી, આરોપી સરપંચ કારા રણમલભાઈ ચેતરીયાની અટકાયત કરી લેવામાં આવી હતી. આ પ્રકરણમાં આરોપીને અદાલતમાં રજૂ કરી સરકારી વકીલ દ્વારા આરોપીને જમીન ના મળે તે માટે કરવામાં આવેલી ધારદાર દલીલો તથા તપાસનીસ અધિકારીને આરોપીના જામીન નહીં મળવા માટે રજૂ કરેલી જામીન નહીં મળવા માટેની વાંધા અરજીને ધ્યાને રાખીને નામદાર અદાલતે આરોપીને જામનગર જિલ્લા જેલ હવાલે મોકલી આપવા માટેનો હુકમ કર્યો છે.

error: Content is protected !!