જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ વિભાગ દ્વારા સોમવારે સાંજે શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી. ઈદુલ અઝહા અને રથયાત્રા બાબતે આગેવાનો સાથે સલાહ સુચનો કરવામાં આવ્યા હતા. આ તકે પીઆઈ સલીમ સાટી એ માંગરોળના આગેવાનો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે માંગરોળ શહેર શાંતિનું પ્રતિક છે. અહી દરેક સમાજના આગેવાનો સાથ સહકાર આપે છે. ત્યારે અહી પણ અન્ય શહેરોની જેમ નવીનતમ પહેલ કરવી જાેઈએ કે રથયાત્રામાં મુસ્લિમ સમાજ સાથે ચાલે અને મુસ્લિમોના જૂલૂસોમાં પણ હિન્દુ આગેવાનો સાથે ચાલે જેથી ટીખળખોરોને એક મેસેજ જાય કે અહીંયા અમારી નહિ ચાલે. જાે માંગરોળમાં રાજકીય બાબતોમાં ગઠબંધન કરી લેતા હોવ તો તહેવારોમાં સાથે કેમ ના ચાલી શકો…! પીઆઈ સાટીની વાતને તમામ ઉપસ્થિત આગેવાનોએ આવકારી હતી. ડીવાયએસપી કોડીયાતર અને પીએસઆઇ સોલંકી મેડમે પણ તહેવારોને લઈને જરૂરી સુચનો કર્યા હતા. આ તકે ડીવાયએસપી કોડીયાતર, પીઆઈ સલીમ સાટી, સીપીઆઈ સમીર મંધરા, પીએસઆઇ સોલંકી મેડમ, પીએસઆઇ ચાવડા તેમજ ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મુહમ્મદહુસૈન ઝાલા, પાલીકા પુર્વ ઉપપ્રમુખ મનોજભાઈ વિઠ્ઠલાણી, કીશન પરમાર સહીતના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.