જૂનાગઢના દામોદર કુંડમાં પિતૃ તર્પણ વિધિ માટે આવેલા પરિવારના ત્રણ વર્ષીય બાળકનું ડૂબી જતા મૃત્યું

0

જૂનાગઢના દામોદર કુંડ ખાતે આજે બપોરના અરસામાં બે કુંડને જાેડતું ભૂંગળું ૩ વર્ષના બાળક માટે મોતનું પ્રવેશદ્વાર સાબિત થયું હતું. માણાવદરથી પિતૃકાર્ય માટે આવેલા વૃદ્ધાનો ૩ વર્ષનો પૌત્ર તેની નજર સામેજ કુંડમાં આવેલી કુંડીમાં લપસી પડ્યા બાદ ભૂંગળામાં ફસાઇ જતાં ડૂબી ગયો હતો. અને ઘટનાસ્થળેજ તેનું મોત નિપજ્યું હતું. ફાયરબ્રિગેડે તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. માણાવદરના રાવળદેવ જ્ઞાતિના વૃદ્ધા ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં જૂનાગઢના દામોદર કુંડ આવ્યા હતા. અને પિતૃપીપળે પાણી રેડી બાદમાં તીર્થ સ્નાન માટે ઘાટ ઉપર બેસીને સ્નાન કરતા હતા. એ વખતે તેમનો ૩ વર્ષનો પૌત્ર જય રવિભાઇ પરમાર તેમની નજર સામેજ નહાતી વખતે ચેકડેમ પાસેની કુંડીમાં લપસી પડ્યો હતો. બાદમાં પાણીના પ્રવાહ સાથે આગળના કુંડમાં જતા ભૂંગળામાં ફસાઇ ગયો હતો. આથી તેની દાદીએ રાડારાડ કરી પોતાનો પૌત્ર નાળામાં પડી ગયાનું ઉપસ્થિત તીર્થ પુરોહિતોને કહેતાં ફાયરબ્રિગેડને ફોન કરાયો હતો. આથી ફાયરબ્રિગેડના કમલેશ પુરોહિત સહિતની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અને લાંબા વાંસડાની મદદથી ભૂંગળામાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ ચોમાસામાં દામોદર કુંડમાં વહેતું પાણી હોવાથી અને ઘાટ ઉપરથી પાણી વહેતું હોવાથી કોઇપણને તેમાં ન્હાવાની અને પાણીમાં ઉભા રહેવાનું આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. પણ સાથે જ ભાવિકો કુંડમાં સાવચેતીથી ઉતરે અને પોતાના બાળકોને કુંડના ઉંડા ભાગથી દૂર રાખે એવી રાધા દામોદરજી મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી નિરવ પુરોહિતે વિનંતી કરી હતી. ઘાટ ઉપર કોઇપણ વ્યક્તિ આવી શકે પણ લોકોને પાણીથી દૂર રાખવા માટે અમે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે. સાથે અહીં મગર પણ તણાઇને આવી ચઢતી હોવાથી વનવિભાગ પણ બંદોબસ્ત ગોઠવે તેમ તીર્થ ગોર સમિતિના નિલેશ પુરોહિતે જણાવ્યું હતું.

error: Content is protected !!