જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીની હત્યાના બનાવમાં આરોપીની ધરપકડ કરતી પોલીસ

0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોડીરાત્રીના બનેલા એક બનાવમાં પટાવાળાએ પીએમ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની છરીઓના ઘા ઝીંકીને હત્યા કરી હતી. કર્મચારીને લોહી લુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલ ઉપર સારવાર બાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું હતું. આ અંગે મળતી વિગત અનુસાર પીએમ વિભાગમાં ફરજ બજાવતો અરવિંદ જેઠવા નામના કર્મચારી સિવિલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે આરામ કરતા હતા. દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા પટાવાળા તરીકે ફરજ બજાવતો અતુલ પરમાર નામનો શખ્સ અચાનક જ રૂમમાં આવી ગયો અને અરવિંદ જેઠવા ઉપર છરીના ઘા ઝીંક્યા હતા. બાદમાં સિવિલ હોસ્પિટલમાં જ તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. સિવિલમાં થયેલ કર્મચારીની હત્યા મામલે જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા હત્યારા અતુલ પરમારને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દરમ્યાન આ બનાવ અંગે કલપીતભાઈ અરવિંદભાઈ જેઠવાની ફરિયાદના આધારે અતુલ પરમાર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!