આજે રાંધણછઠ્ઠ આવતીકાલે શીતળા સાતમ અને ગુરૂવારે જન્માષ્ટમી મનાવાશે ઃ મોંઘવારીના માર વચ્ચે ઉજવણીનો રંગ ફિક્કો
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સાતમઆઠમના તહેવારોની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં દેવ મંદિરોમાં એક તરફ ભગવાન ભોળાનાથની ભકિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે રાધણછઠ્ઠ અને આવતીકાલે શીતળા સાતમના પર્વે લોકો શીતળા માતાને પૂજન સાથે નેવૈદ્ય પણ ધરાવશે અને પરિવારના સુખ-કલ્યાણની કામના કરશે. ગુરૂવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. ઠેર-ઠેર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સાતમઆઠમના તહેવારોને લઈને બજારોમાં પણ ખરીદીનો માહોલ ઉભો થયો છે. આજે રાધણછઠ્ઠના દિવસથી સાતમઆઠમના તહેવારોની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવેલ છે. આમ તો બોરચોથથી જ તહેવારોની ઉજવણીનો પ્રારંભ થતો હોય છે. રાધણછઠ્ઠના દિવસે લોકો પોતાના ઘરે પણ અનેક પ્રકારની મીઠાઈ-ફરસાણ બનાવતા હોય છે. આ ઉપરાંત ઘરે-ઘરે મેંદાની પુરી, ગાઠીયા, સેવા, વિવિધ પ્રકારની મીઠાઈના તાવડા ધમધમતા હોય છે. અગાઉ તો પોતપોતાના ઘરે મહેમાનોની પરણોગત પણ એટલી જ કરવામાં આવતી હતી. ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો પોતાના સ્નેહીજનોને ત્યાં સાતમઆઠમના તહેવારો મનાવવા પહોંચી જતા અને બે પરિવારો જયારે ભેગા થાય ત્યારે તહેવારોની ઓર રંગત ખીલી ઉઠતી ત્યારે આજે મોંઘવારી સહિતની અનેક સમસ્યાઓથી જનતા પીડાઈ રહી છે ત્યારે તહેવારોની ઉજવણી સગા-વ્હાલા કે સ્નેહી મિત્રોને આમંત્રણ ઘટી જતું હોય છે અને આ તહેવારો પરિવાર પુરતા જ સીમીત રહ્યા છે. મોંઘવારીના માર વચ્ચે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં તહેવારો મનાવવા માટે લોકોમાં ઉત્સાહ પ્રવર્તિ રહ્યો છે. જરૂર પુરતી ખરીદી કરવામાં આવી રહી છે અને સાંજના સમયે બજારોમાં અનેરી રોનક જાેવા મળી રહી છે. મોંઘવારીના માર આ વખતે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરનું બજેટ ડામાડોળ કરી નાખ્યું છે. બજેટ ઉપર જાણે મોંઘવારીએ તરાપ મારી હોય તેમ વિવિધ કઠોળ, લોટ, દુધ, તેલ સહિતની ચીજવસ્તુઓમં ભાવ વધારાની અસર જાેવા મળી રહી છે. સાતમઆઠમની મીઠાઈ અને ફરસાણના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જાેકે, અલગ અલગ નાના-મોટા સ્ટોલ અને ડેરી દુકાન ઉપર ભાવમાં થોડો ઓછો-વત્તા તફાવત તો જાેવા મળે છે. કયાંક વધુ ભાવ હોય છે તો કયાંક ઓછા ભાવે મળે છે. જૂનાગઢ શહેરમાં સાતમ-આઠમના તહેવારોને લઈને લોકોની બજારમાં રોનક જાેવા મળી રહી છે. પરંતુ હજુ મોંઘવારીના મારના કારણે જાેઈએ તેવી ઘરાકી નીકળી નથી. હાલ તહેવારોને લઈને જન્માષ્ટમીએ ફરસાણ અને મીઠાઈનું અતિ મહત્વ હોય છે. ત્યારે જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર મીઠાઈ અને ફરસાણના સ્ટોલ ખડકાઈ ગયા છે. હોલસેલ મીઠાઈના એક વેપારીએ જણાવ્યું કે, દુધ, તેલ, લોટના ભાવમાં વધારો થવાથી આ વખતે મીઠાઈ મોંઘી બની છે. તહેવાર ઉપર જૂનાગઢ શહેરમાં ૧પ હજાર કિલો મીઠાઈનું વેંચાણ થાય છે. ગત વર્ષ શહેરમાં મીઠાઈના ભાવ ૪૪૦ આસપાસ હતો. આ વર્ષે તેમાં ૪૦-પ૦ રૂપિયાનો વધારો થયો છે. જાે કે અમુક સ્ટોલ ઉપર હજુ જુના ભાવમાં જ મીઠાઈ અને ફરસાણ મળી રહ્યા છે. ફરસાણનું એક હજાર કિલો આસપાસ વેંચાણ થાય છે. વિવિધ કઠોળના ભાવમાં વધારો થતા લોટના ભાવ વધ્યા છે. જેથી ફરસાણમાં પણ વધારો થયો છે. અન્ય ફરસાણના એક સંચાલકએ જણાવ્યું કે, સાતમ-આઠમના તહેવારોમાં ફરસાણનું મોટું વેંચાણ થાય છે. સાથે ફરસાણમાં ગાઠીયા, ચવાણું, ચેવડાના ભાવમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. આમ સાતમઆઠમના તહેવારોમાં મીઠાઈના ભાવમાં વધારો થતા ઓણસાલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મીઠાઈ ખાવા માટે માત્ર ચાખવા સમાન બની રહેશે.