ગિરનાર ઉપર બીરાજતા અંબાજી માતાજીના દર્શને, પૂજય દાતારબાપુના દર્શને અને ભવનાથના તીર્થ ધામો તેમજ ફરવા લાયક સ્થળોએ પ્રવાસી જનતાનો ભારે ઘસારો જાેવા મળ્યો છે
પવિત્ર શ્રાવણ માસ મધ્યાહને પહોંચી ગયો છે. રક્ષાબંધનના પર્વ બાદ આજે શીતળા સાતમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે અને આવતીકાલે જન્માષ્ટમીનું પર્વ હોય અને ગામોગામ અને શહેરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહી ઠેર-ઠેર શોભાયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કૃષ્ણજન્મોત્સવ નિમિતે આકર્ષક ફલોટસ બનાવવામાં આવી રહ્યા છે અને કૃષ્ણ જન્મોત્સવની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન સાતમ-આઠમના તહેવારોમાં ગુરૂ, શુક્ર, શનિ અને રવિ એમ ચાર દિવસની રજાનો મેળ પાડી દઈ સાતમ-આઠમના આ વેકેશનમાં ફરવા લાયક સ્થળોએ પ્રવાસી જનતાનો ભારે ઘસારો જાેવા મળ્યો છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સાતમ-આઠમના તહેવારોની ઉજવણીનો માહોલ જાેવા મળી રહ્યો છે. મેઘરાજાએ લાંબા સમયનો વિરામ આપ્યો છે ત્યારે આ તહેવારોની ઉજવણીમાં લોકો ગુલતાન બન્યા છે. આજે સાતમ અને આવતીકાલે આઠમનું પર્વ ધામધુમથી મનાવવામાં આવશે. દરમ્યાન જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ખાતે બિરાજતા અંબાજી માતાજીના મંદિરે ભાવિકોનો પ્રવાહ દર્શનાર્થે ઉમટી પડયો છે. જયારે ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે પૂજય દાતારબાપુના દર્શને પણ ભાવિક જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી છે. ભવનાથ ખાતે બિરાજતા ભવનાથ મહાદેવ મંદિર તેમજ ધાર્મિક સ્થળોએ પણ પ્રવાસી જનતા ઉમટી પડી છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લામાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો તેમજ ફરવા લાયક સ્થળોએ ખાસ કરીને સાસણ, તુલસીશ્યામ, કનકાઈ માતાજી મંદિર સહિતના વિસ્તારોમાં પણ પ્રવાસી જનતા ઉમટી રહી છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જીલ્લામાં સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે પણ ભાવિકોનો ઘસારો જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને પ્રવાસી જનતા માટે જૂનાગઢ શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો, ભવાનાથ મહાદેવ મંદિર, દામોદર કુંડ, ભવનાથ તીર્થ ક્ષેત્ર, રોપવે સાઈટ તેમજ સાસણના સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે અને તહેવારો દરમ્યાન શાંતિપુર્ણ વાતાવરણ રહે તે માટેના તંત્ર દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોને ઉત્સાવપુર્વક મનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.