વંથલી પાસે પરાળનાં ભૂકાની આડમાં હેરાફેરી, દારૂ, બીયર ભરેલી બોલેરો પકડાયો

0

વંથલી પાસે કટીંગ થાય તે પહેલાં પોલીસે પરાળનાં ભુકાની આડમાં હેરાફેરીનો પર્દાફાશ કરી ૪.૨૪ લાખના દારૂ, બીયર ભરેલી બોલેરો પકડી લઇ ૮.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઇંગ્લિશ દારૂ ભરેલ જીજે-૦૩-બીવી-૯૪૩૬ નંબરના બોલેરો પીકઅપ વાહન સેલરા ગામથી સોનારડી ગામ તરફ જતી ગારીમાં ગયું છે અને ત્યાં દારૂનું કટીંગ થવાનું છે એવી બાતમી મોડી રાત્રે મળતા વંથલીના પીએસઆઇ વાય. બી. રાણા, એએસઆઈ એન.એમ. વાઢેર સહિતના પોલીસ સ્ટાફે દોડી જઈને તપાસ કરતા બોલેરો રેઢું મળી આવતા તલાશી દરમ્યાન વાહનમાં પરાળનાં ભૂકા નીચેથી રૂપિયા ૩,૯૩,૬૦૦ના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા રૂપિયા ૩૧,૨૦૦ની બીયરની ૧૩ પેટી મળી આવતા પોલીસે દારૂ, બીયર અને બોલેરો સહિત કુલ રૂપિયા ૮,૭૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. અત્રે નોંધનીય એ છે કે, જૂનાગઢ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોય જેથી પોલીસે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેથી બૂટલેગરોમાં પણ ફફડાટ ફેલાયો છે. તેમજ વિવિધ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ પકડાય છે. અને મુદ્દામાલ કબજે આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

error: Content is protected !!