ટેકનીકલ ઈન્સપેકશન બાદ સુદામા સેતુ ખૂલ્લો મૂકાશે : ધનરાજભાઈ નથવાણી
દ્વારકાની પવિત્ર ગોમતી નદીના બંને કાંઠાને જાેડતા તેમજ દ્વારકાધીશ મંદિર બાદ પ્રવાસીઓનું પ્રથમ આકર્ષણ સમા સુદામા સેતુ ખૂલ્લો મૂકવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તથા રિલાયન્સ ગ્રૂપના ધનરાજભાઈ નથવાણીએ ગઈકાલે યાત્રાધામ દ્વારકા ખાતે જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન બાદ પત્રકારોને સંબોધતા જણાવેલ કે લાંબા સમયથી સુદામા સેતુ બંધ હોય જેના ટૂંક સમયમાં જ ટેકનીકલ ઈન્સપેકશન કરાયા બાદ તેને ખૂલ્લો મૂકવા તજવીજ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ધટના બાદ આશરે બે વર્ષ જેટલા સમયગાળા સુધી સુદામા સેતુ બંધ રહ્યો હોય જેના કારણે યાત્રાધામનું પ્રથમ પર્યટન આકર્ષણ સમા સુદામા સેતુની મુલાકાતથી દરેક યાત્રિકે વંચિત રહેવું પડતું હતું. દરરોજનાં આશરે પાંચ હજારથી વધુ પર્યટકોને અવરજવરવાળા બ્રિજ બંધ રહેતા સેકંડો લોકોને રોજગારીનો પ્રશ્ન થયો હતો જે હવે સુદામા સેતુ પુનઃ ખૂલતાં દૂર થશે અને પ્રવાસીઓને પર્યટન માટેનું નજરાણું પુનઃપ્રાપ્ત થશે.