SIR મુદ્દે ચૂંટણી પંચના સંયુક્ત નિવેદન બાદ કોંગ્રેસના આક્ષેપો પર ભાજપનો પ્રહાર
જૂનાગઢ ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પ્રક્રિયા અંગે પક્ષની રજૂઆત, તથ્યો અને દાવાઓ મીડિયા સમક્ષ મૂકાયા
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૯
ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડિયાના સંજય પંડ્યાની અખબારી યાદી જણાવે છે કે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર સહિત ત્રણેય ચૂંટણી કમિશ્નરો દ્વારા SIR (Special Intensive Revision) અંગે આપવામાં આવેલા સંયુક્ત નિવેદન બાદ ચૂંટણી કમિશ્નરો વચ્ચે મતભેદ હોવાના તથા SIR પ્રક્રિયામાં ગેરરીતિના કોંગ્રેસ અને I.N.D.I.A ગઠબંધન દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને લઈને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આજે ગિરનાર કમલમ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જૂનાગઢ મહાનગર ભાજપ અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં મેયર ધર્મેશભાઈ પોશીયા, મીડિયા કન્વીનર સુરેશ પાનસુરીયા તથા મહામંત્રી વિનુભાઈ ચાંદ્રેગા સહિત પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જૂનાગઢ મહાનગરના પત્રકારમિત્રો સમક્ષ SIR અંગે ચૂંટણી પંચના સંયુક્ત નિવેદનમાં રજૂ થયેલા મુદ્દાઓ તથા ભાજપ દ્વારા કરવામાં આવતી રાજકીય રજૂઆત અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા મુદ્દાઓ અનુસાર ચૂંટણી પંચના ત્રણેય કમિશનરોએ સંયુક્ત રીતે સ્પષ્ટતા કરી છે કે SIR સંબંધિત ર્નિણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા છે અને કમિશ્નરો વચ્ચે કોઈ મતભેદ નથી. આ ઉપરાંત મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના From-6ના મૂળ સ્વરૂપમાં SIR દરમ્યાન કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેવી ચૂંટણી પંચની સ્પષ્ટતા તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા વધુમાં જણાવાયું હતું કે From-6 સાથેની Declarationમાં અરજદાર, તેમના માતા-પિતા અથવા દાદા-દાદી અગાઉની SIR મતદાર યાદીમાં હતા કે નહીં તેની માહિતી અંગેની વ્યવસ્થાને લઈને પણ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. પક્ષના જણાવ્યા મુજબ આ સંદર્ભે સુપ્રીમ કોર્ટના આદેશ અને ચૂંટણી પંચની પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના અધ્યક્ષ ગૌરવ રૂપારેલીયાએ કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશ્નરો વચ્ચે આંતરિક મતભેદ હોવાના કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે ચૂંટણી પંચના સંયુક્ત નિવેદન બાદ આ મુદ્દે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. ભાજપે કોંગ્રેસ દ્વારા SIR તથા ચૂંટણી પંચ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને રાજકીય આક્ષેપો તરીકે ગણાવ્યા હતા. ચૂંટણી પંચની સત્તાવાર મતદાર સેવા વ્યવસ્થામાં પણ હાલમાં SIR-2026 અગાઉની SIR મતદાર યાદીમાં નામ શોધવા, From-6 ભરવા અને From-6 Declaration સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ છે. આ પ્રસંગે ભાજપ જૂનાગઢ મહાનગર દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગે જનતા સુધી તથ્ય આધારિત માહિતી પહોંચાડવા તથા મતદારોમાં કોઈ ગેરસમજ ન ફેલાય તે માટે પક્ષની રજૂઆત મીડિયા સમક્ષ કરવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં પક્ષના આગેવાનો દ્વારા ચૂંટણી પંચના સંયુક્ત નિવેદનને આધારે પોતાના પક્ષની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી.


