રાણાવાવ : સ્વિફ્ટ કારમાંથી ૧,૨૯૭ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

જૂનાગઢ રેન્જ પોલીસ ટીમની કાર્યવાહી : રૂા.૫.૮૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે, પાસ્તારડીનો શખ્સ હાજર નહીં મળી આવતા ફરાર જાહેર

રાણાવાવ : સ્વિફ્ટ કારમાંથી ૧,૨૯૭ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.ર૯
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક  રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ દેશી-વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ રેન્જ પોલીસ ટીમે રણાવાવ પોલીસ સ્ટેશનની હદમાંથી ગણનાપાત્ર જથ્થામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર. આર.જી. ચુડાસમા, પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. માવદીયા તથા પોલીસ સ્ટાફ પોરબંદર જિલ્લામાં રણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાયતસિંહ રણવીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઈ નાગાભાઈને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળી હતી કે, પોરબંદર ના બોખીરા વિસ્તારમાં રહેતો દેવાભાઈ જેઠાભાઈ કોડિયાતર પાછતરડી ગામ તા. ભાણવડ ખાતેથી પોતાની પાસેની સિલ્વર કલરની મારૂતિ કંપનીની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જનાર છે.
તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે રાણાવાવ તાલુકાના રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર ડાબી સાઈડમાં સવિર્સ રોડ પર પીપળીયા ઘામના પાટિયા સામે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકી તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાંડની ૪૩૧ બોટલ, મળી કુલ ૧,૨૯૭ બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ ઉપરાંત સ્વિફ્ટ કાર, મોબાઈલ ફોન સહિત કુલ રૂા.૫,૮૫,૨૪૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં દેવાભાઈ જેઠાભાઈ કોડિયાતર, ઉ.વ.૨૮, રહે. પોરબંદર બોખીરા વિસ્તારને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે પાસ્તરડીના ભરતભાઈ નગાભાઈ હુણ નામનો આરોપી હાજર નહીં મળતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.