એલપીજી અછતને કારણે જૂનાગઢ શહેરમાં આવેલી હોટેલ-રેસ્ટોરન્ટ બંધ થવાના આરે : માત્ર બે-ત્રણ દિવસ ચાલે તેટલો પુરવઠો

કેટલીક હોટલોના મેનૂમાં ફેરફાર અને ટાઈમીંગ ચેન્જ કરાયા

એલપીજી અછતને કારણે જૂનાગઢ શહેરમાં આવેલી હોટેલ-રેસ્ટોરન્ટ બંધ થવાના આરે : માત્ર બે-ત્રણ દિવસ ચાલે તેટલો પુરવઠો

જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ શહેરમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટમાં કોમર્શીયલ સીલીન્ડરની અછત સર્જાઈ છે. જેને કારણે મોટાભાગની હોટલોમાં માત્ર બે દિવસ ચાલે તેટલો ગેસ છે. અને ગેસનો પુરવઠો નહીં મળતા હોટલો બંધ થવાના આરે પહોંચી ગઈ છે. તેવું મોટાભાગના હોટલ સંચાલકોએ જણાવ્યું છે. ગેસની અછતને કારણે કેટલીક હોટલોના મેનૂ અને ટાઈમીંગમાં પણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ અંગે સૌરાષ્ટ્રભૂમિ દૈનિક દ્વારા હોટલ સંચાલકોનો સંપર્ક સાધતા તેમણે એવું જણાવ્યંુ હતું કે, તેઓ અન્ય વિકલ્પ ઉપર વિચાર કરી રહ્યા છે. ઝાંઝરડા રોડ પર આવેલ સંકલ્પ હોટલના સંચાલક ધર્મેશ પાટીલે કહ્યું કે, તેમની હોટલમાં ટોરેન્ટ ગેસ સપ્લાય છે. જેમાં તેમને ર૦ ટકા કાપ મુકવાનું કહેવામાં આવ્યું છે. તેમજ તેઓ ચારકોલ સહિતની અન્ય વિકલ્પો પર જવાની તૈયારી કરી રહ્યા છે. રાજભોગ હોટલના માલિક મયુરભાઈ બાલસે પણ એવું જણાવ્યું છે કે, તેમને પણ ટોરેન્ટ કંપનીમાંથી એવો ફોન આવેલ છે કે, તેઓ જે પ્રમાણમાં ગેસનો ઉપયોગ કરે તેના ૮૦ ટકા જ ઉપયોગ કરવાનો રહેશે. રમણમ હોટલના સંચાલક શ્યામ ઓડેદરા એવું જણાવે છે કે, અત્યારે તેમની હોટલને એલપીજી ગેસ મળતો નથી. જેથી તેમણે હોટલના સમયમાં ફેરફાર કર્યો છે. સવારના ૧૧ થી સાંજના ૭ સુધી જ હોટલ ચાલુ રહેશે નહીં. સાંજના ૭ થી ૧૧ સુધી હોટલ કાર્યરત રહેશે. એટલે કે, હોટલ ઓપરેટીંગ સમયમાં ઘટાડો કર્યો છે. જયારે જય વચ્છરાજ ડાઈનીંગ હોલના સંચાલક રાજેશ આંત્રોજાએ જણાવ્યું કે, તેમને ટોરેન્ટ ગેસમાંથી એવી સુચના મળી છે કે, તેઓ માત્ર આખા દિવસ દરમ્યાન માત્ર ર૦ યુનિટ જ ગેસનો ઉપયોગ કરી શકશે. તેથી અમે કોલસાની સગડીનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. મેનૂમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં માત્ર બે સબ્જી જ બનાવવામાં આવશે અને રોટલાની જગ્યાએ રોટલી રાખવામાં આવશે તેમ જય વચ્છરાજ ડાઈનીંગ હોલના સંચાલકે જણાવ્યું હતું.