ગૌરી લંકેશની હત્યાએ પ્રકાશ રાજને હચમચાવી દીધા, રાજકીય વિચારોને કારણે ફિલ્મો અને જાહેરાતો ગુમાવી
પત્ની પોની વર્માનો ખુલાસો: સ્પષ્ટ રાજકીય અભિપ્રાયને કારણે અભિનેતાને અનેક ફિલ્મોમાંથી દૂર કરાયા હોવાનો દાવો, છતાં સિદ્ધાંતો સાથે સમાધાન નહીં
મુંબઈ, તા.31
દક્ષિણ ભારતીય ફિલ્મો અને બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રકાશ રાજ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર નિર્ભયતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતા છે. જોકે, તેમની સ્પષ્ટવક્તા અને રાજકીય વિચારોની અસર તેમની ફિલ્મી કારકિર્દી પર પણ પડી હોવાનું સામે આવ્યું છે. અભિનેતાની પત્ની અને કોરિયોગ્રાફર પોની વર્માએ તાજેતરની એક મુલાકાતમાં ખુલાસો કર્યો છે કે પ્રકાશ રાજને પોતાના વિચારોને કારણે ફિલ્મો અને જાહેરાતોના કામ ગુમાવવા પડ્યાં છે. તેમ છતાં તેઓ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરવા તૈયાર નથી.
એક યુટ્યુબ ચેનલ પરની વાતચીત દરમિયાન પોની વર્માએ પતિના રાજકીય વિચારો અને તેના કારણે ઊભી થતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે શરૂઆતમાં પ્રકાશ રાજની નિર્ભય વાણી અને રાજકીય નિવેદનોને લઈને તે ખૂબ જ ડરતી હતી. ખાસ કરીને પ્રકાશ રાજની સુરક્ષાને લઈને તેને ચિંતા રહેતી હતી.
પોની વર્માના જણાવ્યા અનુસાર, વર્ષ 2017માં પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની હત્યાની ઘટનાએ પ્રકાશ રાજને અંદરથી હચમચાવી દીધા હતા. સમાચાર મળ્યા ત્યારે તેણે પ્રકાશ રાજને સંપૂર્ણપણે તૂટી પડેલા જોયા હતા. પ્રકાશ રાજ અને ગૌરી લંકેશ વચ્ચે 35 વર્ષથી વધુ સમયની મિત્રતા હતી. ગૌરીની હત્યા બાદ પ્રકાશ રાજે અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરવાનો નિર્ણય લીધો હતો.
પોનીએ જણાવ્યું હતું કે પ્રકાશ રાજ તેને વારંવાર પૂછતા હતા કે આખરે કેટલા સમય સુધી ડરના માહોલમાં જીવતા રહેવું? ગૌરી લંકેશની નિર્ભયતા અને સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાની હિંમતથી પણ તેઓ પ્રેરિત થયા હતા.
પ્રકાશ રાજના સ્પષ્ટ રાજકીય વિચારોની અસર તેમના વ્યવસાયિક જીવન પર પણ પડી હોવાનો પોની વર્માએ દાવો કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, ફિલ્મ ઉદ્યોગના કેટલાક લોકો પ્રકાશ રાજના વિચારો સાથે સહમત નથી. તેના કારણે તેમને અનેક ફિલ્મોમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને જાહેરાતોના કામ પણ હાથમાંથી નીકળી ગયાં હતાં. ફિલ્મો અને જાહેરાતો બંધ થવાથી પ્રકાશ રાજને વ્યવસાયિક રીતે ઘણું નુકસાન સહન કરવું પડ્યું હોવાનું પોનીએ જણાવ્યું હતું. કેટલીક ફિલ્મો માટે એડવાન્સ ચૂકવ્યા બાદ પણ નિર્માતાઓએ પાછળ હટવાનો નિર્ણય લીધો હોવાનો પણ તેણે દાવો કર્યો હતો.
પોની વર્માએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં ઘણા કલાકારો કામ ગુમાવવાના ડરથી પોતાના રાજકીય વિચારો જાહેરમાં વ્યક્ત કરતા નથી. જોકે, પ્રકાશ રાજ માટે અંતરાત્માનો અવાજ સૌથી મહત્ત્વનો છે. તેમના મતે, જો કોઈ ઘટના ખોટી હોય તો તેની સામે બોલવું જરૂરી છે. પોનીએ પ્રકાશ રાજને બહાદુર ગણાવતાં કહ્યું હતું કે પોતાના સિદ્ધાંતોને કારણે થયેલા નુકસાન છતાં તેઓ ક્યારેય પોતાના વિચારોથી પાછળ હટ્યા નથી.


