જૂનાગઢ માંથી રૂ. 93,100ના ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી રૂ. 1,45,550ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો
જૂનાગઢ તા. 25
જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં રહેતો એક શખ્સ પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી 1.862 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, રોકડ, મોબાઇલ ફોન, વજન કાંટો વગેરે મળી કુલ રૂ. 1,45,550ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાબૂદ કરવા તેમજ રાજ્યમાં નશીલા પદાર્થોની બદી સદંતર નસ્તોનાબૂદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોનો વ્યાપ ખૂબ જ વધતા તેના ઉપયોગને રોકવા માટે એન.ડી.પી.એસ.ને લગતી કામગીરી કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય, જે કામગીરીના ભાગરૂપે ગઈકાલે એસઓજી સ્ટાફ જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો એ દરમ્યાન એ.એસ.આઈ. વિક્રમભાઈ કાનાભાઈ ચાવડા તથા પો. હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ ગીગાભાઈ અખેડા તથા પો. કોન્સ્ટેબલ રોહિતભાઈ રામકુભાઈ ધાંધલને સંયુક્ત રીતે બાતમી મળેલ કે વિજય ઉર્ફે ભૂરો પરસોતમભાઈ ચુડાસમા, રહે. જૂનાગઢ, કડીયાવાડ, ચામુંડા શેરીવાળો પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.
મળેલ બાતમીના આધારે એસઓજીની ટીમે બાતમીવાળી જગ્યાએ વિજય ઉર્ફે ભૂરો પરસોતમભાઈ ચુડાસમાના રહેણાંક મકાને તલાશી લેતા રૂમમાંથી વનસ્પતિજન્ય ગાંજો (મેરિજુઆના) 1.862 કિલોગ્રામ, કુલ રૂ. 93,100ની કિંમતનો તથા રોકડ રૂ. 2,150 તથા ઇલેક્ટ્રિક વજન કાંટો-1 રૂ. 300ની કિંમતનો તથા મોબાઇલ ફોન નંગ-1 રૂ. 50,000 મળી કુલ રૂ. 1,45,550નો મુદ્દામાલ સાથે વિજય ઉર્ફે ભૂરો પરસોતમભાઈ ચુડાસમા મોચીને ઝડપી લીધેલ છે.
અને આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી અગાઉ ખૂનની કોશિશ, લૂંટ-ચોરી, પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં પકડાયેલ હતો. તેમજ વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેના વિરુદ્ધ 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ચૌધરી તથા એસઓજીના પો. સબ ઇન્સ્પેક્ટર ડી.કે. સરવૈયા તથા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, કરશનભાઈ મોઢા, રમેશભાઈ માલમ તથા પો. હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, બાલુભાઈ બાલસ, મેણસીભાઈ અખેડા તથા પો. કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાંધલ, રવિરાજભાઈ વાળા, વિશાલભાઈ ઓડેદરા, કૃણાલસિંહ પરમાર, મયુરભાઈ ઓડેદરા તથા ડ્રા. પો. હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા, ડ્રા. પો. કોન્સ્ટેબલ પરબતભાઈ દિવરાણીયા વિગેરે સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.


