દ્વારકામાં સુદામા સેતુ નવીનીકરણ કામ કાચબા ગતિએ : જીવના જોખમે ગોમતી નદી પાર કરી પંચનદતીર્થની મુલાકાતે જતા યાત્રિકો
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૦
વર્ષ 2016માં નિર્માણ સાથે જ યાત્રાધામ દ્વારકાનું પ્રમુખ ટુરીસ્ટ પોઈન્ટ બન્યા બાદ સુદામા સેતુને વર્ષ 2022માં મોરબી દુર્ઘટના બાદ યાત્રીકો માટે બંધ કરી દેવાયો હતો. જેના નવીનીકરણની કામગીરી 14.11 કરોડ રૂપિયાના ખર્ચે થોડા સમય પૂર્વે શરૂ કરાઈ છે. આમ છતાં નવનિર્માણ કાર્ય ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોય ગોમતી નદીના સામા ઘાટે આવેલ પંચનદ તીર્થ તથા રમણીય બીચની મુલાકાત લેવા યાત્રીકો જીવના જોખમે ગોમતી નદીના વહેણ પસાર કરવા મજબૂર બન્યા છે. પંચનદતીર્થ ખાતે પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિર તેમજ મહાભારત કાળના પાંચ કુવા તેમજ રમણીય બીચ આવેલ છે. હાલમાં ઉનાળું વેકેશન શરૂ થઈ રહયુ છે ત્યારે યાત્રીકોની ભારે ભીડ રહેતી હોય તેવી સ્થિતિમાં પણ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય યાત્રીકો જીવના જોખમે ગોમતી નદી પગપાળાં પાર કરી રહયા છે. સમુદ્ર સાથે સંગમ સ્થળ નજીક ગોમતી નદીમાં દિવસમાં બે વખત ભરતી-ઓટની સ્થિતિ જોવા મળતી હોય સુદામા સેતુ નવીનીકરણની કામગીરીમાં વેગ આવે તેવી માંગ ઉઠી રહી છે.


