માણાવદરનાં ઝીંઝરી ગામેથી બે શિકારીઓ ઝડપાયા : સસલા પકડવાની ૧પ જાળીઓ કબ્જે
શિકાર કરે તે પહેલા જ બે શખ્સોને વાડીમાંથી વન વિભાગે ઝડપી લીધા
જૂનાગઢ તા. ૬
જૂનાગઢ જિલ્લાના વન્યપ્રાણીઓના રક્ષણ માટે વન વિભાગની ટીમ સતત કાર્યરત છે, ત્યારે માણાવદર રેન્જ હેઠળ આવતા સરદારગઢ રાઉન્ડના ઝીંઝરી ગામની એક વાડીમાં વન્યજીવોના શિકારની પેરવી કરી રહેલા બે શખસોને વન વિભાગની ટીમે બાતમીના આધારે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખસો પાસેથી શિકાર માટે ઉપયોગમાં લેવાતી મોટી સંખ્યામાં જાળીઓ મળી આવતા વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મદદનીશ વન સંરક્ષક સાહિદ ખાન મકરાણીએ જણાવ્યું હતું કે, ગત રાત્રે માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસરને એક સચોટ બાતમી મળી હતી કે ઝીંઝરી ગામની સીમમાં આવેલી શાર્દુલભાઈ ગમારાની વાડીમાં કેટલાક શખસો શિકારની પ્રવૃત્તિ માટે એકઠા થયા છે. આ બાતમીના આધારે વન વિભાગનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શિકારીઓને પકડવા માટે ચારેતરફથી ઘેરોબંધી કરી હતી. વન વિભાગે ઘટનાસ્થળેથી બે શખસોને ઝડપી પાડ્યા છે. ૫૦ વર્ષીય દેવરાજભાઈ સોલંકી અને ૩૦ વર્ષીય અજય સોલંકીનો સમાવેશ થાય છે. બંને સરદારગઢના રહેવાસી છે. આ બંને શખસો પાસેથી વન્યજીવ સસલા પકડવા માટે ઉપયોગમાં લેવાતી ૧૫ નંગ નેટ એટલે કે મેવટા કબજે કરવામાં આવ્યા છે. આ શખસો કોઈ મોટો શિકારનો ગુનો આચરે તે પૂર્વે જ વન વિભાગની સતર્કતાને કારણે તેમને દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા બંને શખસો વિરુદ્ધ ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની વિવિધ કડક જાેગવાઈઓ અને કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વન વિભાગ હવે એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે, આ શખસો અગાઉ કોઈ શિકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તેમજ તેમની સાથે અન્ય કોઈ મોટા શિકારીઓની ટોળકી સામેલ છે કે નહીં તે દિશામાં પણ ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. વન વિભાગે આ મામલે સ્પષ્ટ જણાવ્યું છે કે, વન્યપ્રાણીઓનો શિકાર કરવો અથવા તે માટે સાધન-સામગ્રી રાખવી એ ગંભીર ગુનો છે અને વન્યજીવોના રક્ષણ માટે ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ હજુ પણ વધારવામાં આવ્યું છે. આ સફળ કામગીરીમાં માણાવદર રેન્જના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી અને શિકારીઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું.


