રીઝર્વ બેંકે વ્યાજદર યથાવત રાખ્યો : લોન મોંઘી નહી થાય

રીઝર્વ બેંકે વ્યાજદર યથાવત રાખ્યો : લોન મોંઘી નહી થાય

(બ્યુરો) મુંબઈ તા. ૬
ત્રી-માસીક નાણાંકીય નીતિની સમિક્ષા બાદ રીઝર્વ બેંકે વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ૫.૨૫% પર યથાવત્ રાખવામાં આવ્યો છે, એટલે કે લોન મોંઘી નહીં થાય અને લોનની EMI પણ વધશે નહીં. રીઝર્વ બેંકનાં ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે ૬ ફેબ્રુઆરીના રોજ મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા ર્નિણયોની જાણકારી આપી હતી. રીઝર્વ બેંકે ડિસેમ્બરમાં વ્યાજદર ૦.૨૫% ઘટાડીને ૫.૨૫% કર્યા હતા. રીઝર્વ બેંક જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે. જ્યારે રીઝર્વ બેંક રેેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકોને સસ્તી લોન મળે છે અને તેઓ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે.
રીઝર્વ બેંકના મતે, મોંઘવારી અંગે સ્થિતિ હાલમાં રાહતભરી રહી છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે રિટેલ મોંઘવારી ૨.૧% રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળા (Q1)માં મોંઘવારી દર ૪% રહેવાનો અંદાજ છે. બીજા ત્રિમાસિક ગાળા (Q2)માં મોંઘવારી દર ૪.૨% રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ના ચોથા ત્રિમાસિક ગાળા (Q4) માટે, એ ૩.૨% રહેવાનો અંદાજ છે આ આંકડા દર્શાવે છે કે ટૂંકા ગાળામાં ભાવમાં થોડો વધારો થઈ શકે છે, પરંતુ એકંદર ફુગાવો RBIની નિર્ધારિત મર્યાદામાં રહેશે.
મલ્હોત્રાએ એ વાત પર ભાર મૂક્યો કે મોંઘવારીનું દબાણ હાલમાં ઓછું છે. ફક્ત કીમતી ધાતુઓ પર જ થોડી અસર જાેવા મળી રહી છે, કારણ કે એના વૈશ્વિક ભાવ અસ્થિર રહે છે. મોટાભાગની  ચીજવસ્તુઓના ભાવ કાબૂમાં છે. ભવિષ્યની યોજના અંગે તેમણે કહ્યું હતું કે રીઝર્વ બેંક એપ્રિલમાં તેના આગામી પોલિસી સ્ટેટમેન્ટમાં તેના સંપૂર્ણ વર્ષના CPI મોંઘવારી દરનો અંદાજ રજૂ કરશે, ત્યાં સુધી નવી સિરીઝમાંથી વધુ ડેટા પણ મળી થશે.