અનંત અંબાણીની શુભપ્રેરણાથી દ્વારકાના પ્રસાદાલયમાં યાત્રીઓ હવે વિનામૂલ્યે ભોજન પ્રસાદનો લાભ લઈ શકશે
રિલાયન્સ ફાઉન્ડેશનની સહાયથી અને શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજના કુશળ સંચાલનથી યાત્રિકો માટે વિનામૂલ્યે શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદની દિવ્ય સેવા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૮
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણીની શુભપ્રેરણાથી દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવતા દેશ-વિદેશના યાત્રિકોની સેવામાં એક નવો અને દિવ્ય અધ્યાય જોડાઈ રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનની અવિરત સેવા ભાવના અને અનંત અંબાણીના સંકલ્પથી શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજ દ્વારા સંચાલિત પ્રસાદાલયમાં હવે યાત્રીઓને વિનામૂલ્યે ભોજન પ્રસાદનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૨૬થી આ યાત્રિક ભોજન પ્રસાદાલયમાં દરરોજ અંદાજે ૪,૦૦૦ યાત્રિકો વિનામૂલ્યે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે. શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજના કુશળ સંચાલન અને રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક અનુદાનથી ધબકતી થયેલી આ દિવ્ય પહેલ ધામિર્ક આસ્થા સાથે યાત્રીસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડશે. અનંત અંબાણીની સમપિર્ત સેવા ભાવના થકી દ્વારકાધામની પાવન ભૂમિ પર આવતા પ્રત્યેક શ્રદ્ધાળુને માત્ર ભોજન નહીં, પરંતુ દિવ્ય આત્મીયતા અને સન્માનનો અનુભવ થાય તે આ પ્રસાદાલયના સેવા સંકલ્પ પાછળનો મુખ્ય હેતુ રહેલો છે. દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકો પોતાની આધ્યાત્મિક યાત્રા દરમિયાન શારીરિક અને માનસિક રીતે ઊર્જાવાન રહે અને તેમને પવિત્રતા સાથેનો શુદ્ધ તથા સાત્વિક ભોજન પ્રસાદ મળી રહે તે આ પ્રસાદાલયનો મૂળમંત્ર છે. અહીં પીરસવામાં આવતું આ ભોજન માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી, પરંતુ "અતિથિ દેવો ભવ:"ની આપણી સનાતન સંસ્કૃતિની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું એક પવિત્ર માધ્યમ છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દ્વારકાધામ ખાતે યાત્રિકો અને શ્રદ્ધાળુઓની સુવિધા તથા સેવા માટે હાથ ધરવામાં આવેલી આ વિશેષ પહેલ ‘સેવા એ જ પરમ ધર્મ‘ ની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલી આ વિનામૂલ્યે ભોજન પ્રસાદની સેવા દ્વારકાધામની યાત્રાને વધુ સુખદ, સાત્વિક અને સ્મરણીય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.


