અમેરિકાએ ભારત સહિત ૨૦ દેશો માટે કેટલીક દવાઓ પરનો ટેરિફ હટાવ્યો
(એજન્સી) વોશિંગ્ટન, તા. ૨૯
અમેરિકા તેનાં ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનાં હેતુથી પેટન્ટેડ ફાર્માસ્યુટિકલ આયાત પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, તે જ સમયે યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટ (અમેરિકી વાણિજ્ય વિભાગ) દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, ભારત સહિત ૨૦ દેશોમાંથી આયાત કરવામાં આવતી અમુક ચોક્કસ સ્પેશિયાલિટી દવાઓ અને તેનાથી જોડાયેલાં ઘટકો પર કોઈ ‘એડ વેલોરમ’ (મૂલ્ય-આધારિત) ટેરિફ નહીં લગાવાય. આ નીતિ હેઠળ યોગ્ય ઉત્પાદનો પર શૂન્ય ટકા ટેરિફ દર લાગું થશે.
વિશ્વ સીમા શુલ્ક સંગઠન (WCO) અનુસાર, ‘એડ વેલોરમ’ ટેરિફ એ આયાત કરવામાં આવતાં માલની કુલ કિંમતનાં આધારે વસૂલવામાં આવતો એક નિશ્ચિત ટકાવારી વેરો છે. અમેરિકી વાણિજ્ય વિભાગે ફેડરલ રજિસ્ટરમાં આ દેશોની યાદી બહાર પાડી છે.
વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, શૂન્ય ટકા શુલ્ક મેળવનારા આ દેશો પાસે અમેરિકા સાથે હાલમાં વેપાર અને સુરક્ષા માળખાકીય સમજૂતી અસ્તિત્વમાં છે અથવા આગામી સમયમાં થવાની શક્યતા છે.


