અમેરીકાના આર્મી ચીફ સહિત ત્રણ ટોચના અધિકારીઓની હકાલપટ્ટી
(એજન્સી) વોશિંગ્ટન તા.૩
અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે અચાનક જ યુએસ આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ રેન્ડી જ્યોર્જ સહિત ત્રણ ટોચના સૈન્ય અધિકારીઓની હકાલપટ્ટી કરી છે.
પેન્ટાગોનના સત્તાવાર સૂત્રો અને આંતરરાષ્ટ્રીય ડિજિટલ મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, આ ર્નિણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે અને તેમને ફરજિયાત નિવૃત્તિ લેવા જણાવાયું છે.
જનરલ રેન્ડી જ્યોર્જ ઉપરાંત આર્મી ટ્રાન્સફોર્મેશન એન્ડ ટ્રેનિંગ કમાન્ડ (ટીટુકોમ) નું નેતૃત્વ કરી રહેલા ભૂતપૂર્વ આર્મી રેન્જર જનરલ ડેવિડ એમ. હોડને તથા આર્મીના ચેપ્લેન કોર્પ્સના ચીફ મેજર જનરલ વિલિયમ ગ્રીન જુનિયરને પણ તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે.
આવા અચાનક ફેરફારો પાછળનું સત્તાવાર કારણ પેન્ટાગોન દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ વર્તમાન સમયે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા લશ્કરી તણાવ વચ્ચે આ આકસ્મિક નેતૃત્વ પરિવર્તનથી અમેરિકન સૈન્ય અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. કેટલાક અહેવાલો માને છે કે નવી લશ્કરી નીતિઓ અંતર્ગત આ વ્યાપક ફેરફારો થઈ રહ્યા છે.
બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથેના કરાર અંગે કહ્યું, ‘જો આ ડીલ નહીં થાય, તો હું ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને દોષી ઠેરવીશ. જો તે થઈ જાય છે, તો હું તેનો પૂરો શ્રેય લઈશ.’ ટ્રમ્પે આ વાત વ્હાઇટ હાઉસમાં આયોજિત ઇસ્ટર લંચ દરમિયાન મજાક કરતા કહી હતી. ટ્રમ્પ અને તેમના સહયોગીઓના વર્તને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વર્તુળોમાં ભારે ખભળાટ સાથે ચર્ચા જગાવી દીધી છે.


