આરટીઓ કચેરીની કામગીરી દોઢ માસથી બંધ : ગાડી લે-વેચ, નામ ટ્રાન્સફર કરવા બાબતે ભારે હાલાકી

આજે ગાંધીનગર ખાતે ડીલરોની મહત્વની બેઠક : રણનિતી ઘડાશે

આરટીઓ કચેરીની કામગીરી દોઢ માસથી બંધ : ગાડી લે-વેચ, નામ ટ્રાન્સફર કરવા બાબતે ભારે હાલાકી

જૂનાગઢ તા. ર૪
જૂનાગઢ સહીત રાજયભરમાં આવેલી આરટીઓની કચેરીની કામગીરી છેલ્લા દોઢ માસથી ઠપ્પ થઈ જવાનાં કારણે આરટીઓને લગતી કામગીરી સંપૂર્ણ બંધ છે. જેને કારણે ગાડીઓની લે-વેચ, નામ ટ્રાન્ફસર સહીતનાં કામો ખોરંભે પડી જવાનાં કારણે વાહન ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. એટલું જ નહી જુની ગાડીઓ વેચાય છે. પરંતુ નામ ટ્રાન્સફરનું કામ થતું નથી જેને કારણે અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે ત્યારે આજે ગાંધીનગર ખાતે વાહન ડીલરોની એક બેઠક યોજવામાં આવી રહી છે. અને સરકારને રજુઆત કરી અને રણનિતી નકકી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ સહીત સમગ્ર રાજયમાં છેલ્લા દોઢ મહીનાથી આરટીઓની કામગીરી ઠપ્પ થઈ જતાં જુની ગાડીઓની લે-વેચ, નામ ટ્રાન્સફર, અને લોન કલીયરન્સ સહીતનાં કામો સંપૂર્ણપણે અટકી પડયા છે. આ સ્થિતીને કારણે રાજયભરનાં વાહન ડીલરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. હાલ સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે વાહન ગ્રાહકને સોંપી દીધા બાદ પણ આરટીઓમાં નામ ટ્રાન્સફર ન થવાથી કાગળ પર માલીકી જુના માલીક કે ડીલરની જ રહે છે. આવી સ્થિતિમાં જાે વાહનથી કોઈ અકસ્માત કે અનિચ્છનીય બનાવ બને તો તેની કાયદાકીય જવાબદારી કોની રહેશે ? એ સવાલ ઉભો થયો છે. આરટીઓની આ કામગીરીને કારણે ડીલરોની મુશ્કેલી વધી છે. લોનની પ્રક્રિયા અટકી પડતા ફાયનાન્સ કંપનીઓ તરફથી પેમેન્ટ રીલીઝ થતાં નથી જેના કારણે કરોડો રૂપિયાના ચુકવણાં ફસાઈ ગયા છે અને વાહન લે-વેચમાં પણ ઘટાડો થયો છે. આ સમસ્યાને કાયમી ઉકેલ લાવવા માટે આજે રાજયભરનાં વાહન ડીલરોની ગાંધીનગર ખાતે એક મહત્વની બેઠક મળી રહી છે. અને જેમાં સરકાર સમક્ષ અસરકારક રજુઆત કરી અને આગળની રણનીતિ નકકી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.