આલિદ્રામાં રૂા.૨.૨૫ કરોડના ખર્ચે બનનારા નવા પુલનું ખાતમુહૂર્ત
સાંસદ માનસિંહ પરમાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિકાસકાર્યનો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા)
પ્રાચી તીર્થ તા.૧૬
સુત્રાપાડા તાલુકાના આલિદ્રા મુકામે આશરે રૂા.૨.૨૫ કરોડના ખર્ચે મંજૂર થયેલા નવા પુલના નિર્માણકાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પુલનું નિર્માણ પૂર્ણ થયા બાદ આલિદ્રા સહિત આસપાસના વિસ્તારના નાગરિકોને આવાગમનમાં સુવિધા મળવાની સાથે અવરજવરમાં પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળવાની આશા છે. આલિદ્રા ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડીયા, મસરીભાઈ રાઠોડ જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન,શૈલેન્દ્રસિંહ રાઠોડ, જશુભાઈ સોલંકી કારોબારી ચેરમેન, પ્રતાપભાઈ બારડ, સુત્રાપાડા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દીપકભાઈ કાછેલા, ટીડીઓ સાહેબ, હમીરભાઈ વાઢીયા,પૂર્વ મહામંત્રી વજુભાઈ વાજા, બચુભાઈમેર, સરપંચ ભગવાનભાઈ બારડ સહિત ભાજપના વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં નવા પુલના નિર્માણકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રસ્તા અને પુલ જેવી માળખાગત સુવિધાઓ ગ્રામ્ય વિસ્તારોના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આલિદ્રા ખાતે નવા પુલનું નિર્માણ થવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ આસપાસના વિસ્તારોના લોકો માટે અવરજવર વધુ સુગમ બનવાની અપેક્ષા છે. ખાસ કરીને દૈનિક આવાગમન અને પરિવહન માટે આ પુલ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ વિકાસકાર્યને મંજૂરી આપવા બદલ ઉપસ્થિત આગેવાનો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિકાસલક્ષી અભિગમથી વિસ્તારને જરૂરી માળખાગત સુવિધા મળી રહી હોવાનું જણાવી આલિદ્રા અને આસપાસના વિસ્તારના વિકાસ માટે આ પુલ મહત્ત્વપૂર્ણ બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આશરે રૂા.૨.૨૫ કરોડના ખર્ચે મંજૂર થયેલા આ પુલનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક સ્તરે વિકાસની દિશામાં એક નવું પગલું ભરાયું છે. હવે પુલનું નિર્માણકાર્ય સમયસર અને ગુણવત્તા સાથે પૂર્ણ થાય તો વિસ્તારના નાગરિકોને તેનો સીધો લાભ મળી શકશે.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)


