ઉનાના ભડિયાદર ગામે યુવાન ઉપર દીપડાનો હુમલો
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.25
ઉના તાલુકાના ભડિયાદર ગામે રહેતા અલ્પેશભાઈ ભરતભાઈ ડાંગોદરા (ઉ.વ.28) ઘરે રાત્રિના ફળિયામાં આવેલ બાથરૂમમાંથી બહાર આવતા હતા ત્યારે શિકારની લાલચમાં આવેલ એક દીપડો વંડી ઠેકી ફળિયામાં બેઠેલ હતો તેણે તુરંત અલ્પેશભાઈ ઉપર તરાપ મારી ગળાના ભાગે પંજાના નહોર ભરાવી પછાડી દીધા હતા. અલ્પેશભાઈએ રાડારાડી કરતા ઘરના સભ્યો બહાર આવી દીપડાને ભગાડી મુકેલ હતો. દીપડો ઘરના ફળિયાની વંડી ઠેકી નાસી ગયો હતો અને અલ્પેશભાઈને ઉના સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. આમ એક વ્યક્તિ ઉપર વારંવાર દીપડાએ હુમલો કરતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. ગામની આજુબાજુમાં દીપડાના આંટાફેરા ખુબ વધી ગયા છે. વન વિભાગએ દીપડાને પકડવા ગામ પાસે પાંજર મુકેલ છે. ઉના અને ગીર ગઢડા પંથકમાં સિંહ અને દીપડા અને મગરના હુમલાઓના બનાવ વધેલ છે.


