ઉના તાલુકાના કંસારી ગામે નવ માસથી ભાડાની દુકાનમાં દવાખાનુ ચલાવતો નકલી ડોકટર ઝડપાયો
રૂા.1 લાખની દવાઓ જપ્ત કરાઈ : દર્દીઓને કીડની, હૃદય માટે જાેખમી સ્ટીરોઈડ આપતો હોવાનું બહાર આવ્યું
ઉના તા.10
ઉનાના કંસારી ગામે છેલ્લા 9 મહિનાથી ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને જિલ્લા SOG અને તાલુકા હેલ્થ ઓફીસરની ટીમે મોટા પ્રમાણમાં એક લાખથી વધુ રકમની એલોપેથીક - દવાઓના જથ્થા સાથે પકડી પાડયો હતો.
ગીર સોમનાથ જિલ્લાની SOGને બાતમી મળી હતી. એના આધારે તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલભાઈ દુમાતરને સાથે રાખીને એસઓજીના અધિકારીઓ કંસારી ગામે પહોંચ્યા હતા. ભાચા જતા રોડ ઉપર બાપા સીતારામ બેકરીની બાજુમાં એક દુકાન ભાડે રાખી ભાવેશ ધીરૂભાઈ સોલંકી નામનો યુવાન બીમાર લોકોને તપાસી દવાઓ આપી મોટી કમાણી કરતો હતો. તેથી પોલીસે એક બોગસ દર્દી મોકલી છટકું ગોઠવી પોલીસ ટીમ ત્રાટકી હતી અને ડિગ્રી સર્ટીફિકેટ જોવા માંગતા તેની પાસે સરકાર માન્ય એલોપથી ડિગ્રી હતી નહીં. તેને ક્લીનિકમાં રાખેલો અંદાજિત રૂપિયા એક લાખથી વધુ રકમની એલોપેથીક દવાઓ મળી આવી હતી. તે દવા અને સાધનો કબ્જે કરી ઉના પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું કે આ શખ્સ દર્દીઓ પાસેથી 800થી 1000ની દવાઓ આપી ઉંચી ફી વસુલી કરતો હતો. તે દર્દીઓને જે દવા આપતો તે દવામાં સ્ટીરોઈડ, પેઈનકિલર આપતો. જે દવા ખાવાથી ભવિષ્યમાં લોકોને કીડની અને હાર્ટના રોગ થવાની શક્યતા રહે છે. રોજના 40થી વધુ દર્દીઓને તપાસી મોટી કમાણી કરતો હતો.


