કોકરોચ જનતા પાર્ટીની સરકારને આખરી ચેતવણી : જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે તો ૧૦ ઓકટોબરથી દિલ્હીમાં જંતર-મંતર ર.૦
“જાે મુખ્ય ચૂંટણી કમિશ્નર પદ નહીં છોડે તો વડાપ્રધાન મોદીએ રાજીનામું આપવું પડશે” : સરકાર એક રાષ્ટ્ર-એક ચૂંટણીમાંથી એક દેશ-એક પાર્ટી તરફ આગળ વધી રહી હોવાનો અભીજીત દિપકેનો આરોપ
(એજન્સી) મુંબઈ, તા, ૩
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે જાહેરાત કરી છે કે જો મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પોતાનાં પદ પરથી રાજીનામું નહીં આપે, તો ૧૦ ઓક્ટોબરે દેશભરમાંથી લોકો દિલ્હીનાં જંતર મંતર ખાતે માર્ચ કરશે.
મુંબઈનાં શિવાજી પાર્કમાં યોજાયેલી મોટી વિરોધ રેલી બાદ ગત રાત્રે સોશિયલ મીડિયા પર તેમણે આ નવી રણનીતિની ઘોષણા કરી હતી. પોલીસની મંજૂરી નહીં હોવા છતાં આ મુંબઈ પ્રદર્શનમાં હજારો લોકો ઉમટી પડ્યાં હતાં, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અભિજીત દીપકે જણાવ્યું હતું કે, દિલ્હીમાં યોજાનારા આ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને મહાત્મા ગાંધીના બતાવેલા અહિંસક માર્ગ પર જ રહેશે. તેમણે દેશનાં તમામ નાગરિકોને લોકશાહી બચાવવા અને મુક્ત તથા નિષ્પક્ષ ચૂંટણીની માંગ સાથે આ આંદોલનમાં જોડાવા માટે હાકલ કરી છે.
તેમણે સરકાર અને પોલીસને ચેતવણી આપતા ઉમેર્યું હતું કે જો જ્ઞાનેશ કુમાર પદ નહીં છોડે તો દેશનો યુવા વર્ગ દિલ્હી પહોંચીને "જંતર મંતર ૨.૦” જેવું મોટું આંદોલન ઊભું કરશે, જેને રોકવું સરકાર માટે અશક્ય બની જશે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ એવો આરોપ લગાવ્યો છે કે, ભારતીય જનતા પાર્ટી ‘‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી‘‘ થી ‘‘એક દેશ, એક પાર્ટી‘‘ તરફ આગળ વધી રહી છે. તેમણે સરકારને ચેતવણી આપી હતી કે, ૧૩ કરોડ નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જે કથિત રીતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવેલી ‘‘મત ચોરી‘‘નું કામ છે.
‘‘જ્ઞાનેશ કુમાર મસ્ટ ગો‘‘જેવા સુત્રોચ્ચાર કરતા, દીપકેએ ધમકી આપી હતી કે, જો કેન્દ્ર સરકાર જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે દબાણ નહીં કરે, તો જંતર મંતર પર ફરીથી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમણે જાહેરાત કરી કે જો તેમને ત્રણ મહિનાની જેલ થાય, તો પણ તેઓ પાછા આવશે, તેમણે ‘‘મે વાપસ આઉંગા‘‘ નારાનું પુનરાવર્તન કરતા પાછા ફરવાની ચિમકી આપી.
કોંગ્રેસ, શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પહેલાથી જ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનનું આહવાન કર્યું હતું. દરમિયાન, ‘‘કોકરોચ જનતા પાર્ટી‘‘એ દાદરના છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક ખાતે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. મુંબઈ અને દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં યુવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરતા પ્લેકાર્ડ હાથમાં લીધા હતા અને શેરી નાટકો અને સંગીતમય કાર્યક્રમો રજૂ કર્યા હતા.


