કલ્યાણપુર પંથકમાં વધુ ખનીજ ખનન ઝડપાયું : જેસીબી સહિતના વાહનો કબજે
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.3
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં અગાઉ વિવિધ પ્રકારની ખનીજ ચોરી તેમજ માટી (મોરમ)ની ચોરી ઝડપાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી પોલીસની ટીમ દ્વારા અવિરત રીતે જારી રાખવામાં આવેલી ગેરકાયદેસર મોરમ ખનન અંગેની કાર્યવાહીમાં એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તથા પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા ગઈકાલે સોમવારે કલ્યાણપુર પંથકના હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. જેસલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, ખીમાભાઈ કરમુર, લાખાભાઈ પિંડારિયા તથા જેઠાભાઈ પરમારની ટીમ દ્વારા બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના જામપર ગામની સીમ વિસ્તારમાં આવેલી મીઠડી ધારમાં બે અલગ અલગ જગ્યાએ મોરમ (માટી)નું જેસીબી જેવા સાધનોની મદદથી ખનન કરી અને આ મોરમ (માટી)નું ટ્રેક્ટર મારફતે વહન થતું હોવાથી આ સ્થળે દરોડા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળેથી પોલીસે જુદા જુદા નંબરના બે જેસીબી તથા આશરે ચાર-ચાર ટન જેટલી મોરમ ભરેલા ચાર ટ્રેક્ટર કબજે કરી, આ અંગે વધુ કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે.


