કેશોદ પોલીસે ગણતરીના કલાકોમાં મધ્યપ્રદેશની બાવરીયા ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડયા
દુકાનમાં ચોરી અને બે મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલાયો, પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
(પ્રતિનિધિ દ્વારા)
કેશોદ તા.ર૯
કેશોદ શહેરમાં તાજેતરમાં બનેલી ચોરીની ઘટનાનો ભેદ કેશોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી નોંધપાત્ર સફળતા મેળવી છે. શહેરની યોગેશ્વરધામ સોસાયટી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો દ્વારા પ્રવેશ કરી દુકાનમાં રાખેલી રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી. એટલું જ નહીં, ચોર ટોળકીએ વિસ્તારમાંથી બે મોટરસાયકલની પણ ચોરી કરી ફરાર થઈ જતા વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે દુકાન માલિક દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા વિવિધ ટેકનિકલ સાધનો, સીસીટીવી ફૂટેજ તેમજ ગુપ્ત બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડીઓ હાથ લાગતા મધ્યપ્રદેશ રાજ્યની કુખ્યાત બાવરીયા ગેંગ સંડોવાયેલી હોવાની માહિતી મળી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગેંગના ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ પાસેથી ચોરીના મુદ્દામાલ તથા અન્ય પુરાવાઓ અંગે પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. કેશોદ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે શહેરમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ચોરી જેવી ગંભીર ઘટનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવામાં પોલીસને મળેલી સફળતા પ્રશંસનીય માનવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
આરોપીઓ પાસેથી અન્ય ચોરીના ગુનાઓ અંગે પણ મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખવામાં આવી છે.


