જૂનાગઢમાં સ્વયં સંચાલિત ટ્રાફીક સીગ્નલ પુર્ન: કાર્યરત કરવા માંગણી

એક સમયે સારો એવો ખર્ચ કરી ઓટોમેટીક ટ્રાફીક નિયમન માટે ટ્રાફીક સીગ્નલો લગાવવામાં આવ્યા હતા જે આજે બંધ હાલતમાં ધુળ ખાતા પડયા છે

જૂનાગઢ તા. ર૩
જૂનાગઢ શહેરમાં ટ્રાફીક નિયમન માટે સારી વ્યવસ્થા ગોઠવાઈ તે માટે વિવિધ સ્થળોએ લગાડવામાં આવેલા ટ્રાફીક સિગ્નલો લાંબા સમય થયા બંધ હાલતમાં ધુળ ખાતા પડયા છે. ત્યારે ટ્રાફીક સિગ્નલોની વ્યવસ્થા પુન: કાર્યરત કરવાની દિશામાં તંત્ર દ્વારા પગલા લેવા જાેઈએ તેવી લાગણી લોકોમાં પ્રવર્તી રહી છે.
જૂનાગઢ શહેરમાં ટ્રાફીકની સમસ્યા સતત વધતી જાય છે. ટ્રાફીક સમસ્યામાંથી લોકોને  છુટકારો મળે તેવા અસરકારક પગલાનો અભાવ છે. આજે શહેરનાં મોટા ભાગના વિસ્તારો, જાહેર માર્ગો, બજારો, ચોક વગેરે સ્થળોએ ટ્રાફીકની સમસ્યા ચોકકસ જાેવા મળશે. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં વિવિધ શહેરોમાં ટ્રાફીક નિયમન માટે  શહેરનાં મુખ્ય માર્ગો ઉપર ઓટોમેટીક ટ્રાફીક સિગ્નલો લગાડવામાં આવેલ છે અને સ્વયંમ્ સંચાલિત (ઓટોમેટીકલ સિગ્નલો) સિગ્નલોમાં ફીકસ કરવામાં આવેલ ટાઈમીંગ મુજબ રસ્તો બંધ કરવો, રસ્તો ખુલ્લો કરવો તે માટેની રેડ (લાલ) ગ્રીન (લીલી) લાઈટવાળા દિશા નિર્દેશ આપે છે અને રાહદારી, વાહનચાલકો તેનું પાલન કરે છે. આ ઉપરાંત ઝીબ્રાનાં નિયમ પ્રમાણે ટ્રાફીકની અવર-જવર રહે છે. ટ્રાફીકનાં નિયમનો ભંગ કરનાર સામે દંડાત્મક કામગીરી પણ કરવામાં આવે છે. ટ્રાફીક વ્યવસ્થા માટે મોનીટરીંગ સીસીટીવી કેમેરા અંતર્તગ સિસ્ટમ કાર્યરત હોય છે અને ટ્રાફીક ભંગ કરનારને દંડ માટેની નોટીસ પણ મળી જાય છે. જૂનાગઢ શહેરમાં ટ્રાફીક નિયમનની વ્યવસ્થાનાં ભાગરૂપે મુખ્ય માર્ગો, તળાવ દરવાજા, સરદારબાગ, કાળવા ચોક કે જયાં વાહનોની સતત અવરજવર રહે છે અને ટ્રાફીક સતત રહેતો હોય છે. ત્યાં ઓટોમેટીક ટ્રાફીક સિગ્નલો કાર્યરત કરવામાં આવ્યા હતા. ઓટોમેટીક ટ્રાફીક સિગ્નલોની વ્યવસ્થા થોડો સમય કાર્યરત થયા બાદ તેને બંધ કરી દેવામાં આવી હતી. આ અંગે એવું કારણ બહાર આવેલ છે કે ટ્રાફીક સિગ્નલોને કારણે ટ્રાફીકની સમસ્યામાં વધારો થાય છે અને લોકોને હાલાકી ભોગવવી પડે છે. જૂનાગઢ શહેરમાં ટ્રાફીક નિયમનની કામગીરી પોલીસ વિભાગ દ્વારા મેન્યુલી કરવામાં આવી રહી છે. ટ્રાફીક પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારી, ટ્રાફીક બ્રિગેડનાં કર્મચારી બંને ફરજ ઉપર તૈનાત રહી ટ્રાફીકનું નિયમન કરવાની કામગીરી કરે છે. શહેરમાં છેલ્લા એક દશકામાં ટ્રાફીકનું ભારણ સતત વધી રહયું છે અને ટ્રાફીક સમસ્યાનાં ઉકેલ માટેેની વ્યવસ્થા વધુ  અસરકારક બનાવવાની જરૂર છે.
જૂનાગઢ શહેરની ભૌગોલિક સ્થિતી એવી છે કે, બજારો, રસ્તાઓ સાંકડા છે અને ટ્રાફીકનું ભારણ વધુ છે. આ ઉપરાંત શહેરનાં મુખ્ય બજારોમાં રોડની સાઈડમાં આડેધડ પાર્ક થતાં વાહનો, રેકડી, લારી, પાથરણાવાળા, આ બધાને લઈને પણ ટ્રાફીકની સમસ્યા વધી રહી છે. ટ્રાફીક સમસ્યાના ઉકેલ માટે ઘણાં ઉપાયો છે. જેમાં જૂનાગઢ  શહેરમાં જયાં થઈ શકે ત્યાં મુખ્ય બજારનાં રસ્તા પહોળા કરવા, દબાણો દુર કરવા, ટ્રાફીકલેસ બનાવવા, પાર્કિંગ માટેની સુવિધા વધારવી ઉપરાંત ટ્રાફીક સિગ્નલોને આધુનિક બનાવવા અને તેમને યોગ્ય રીતે કાર્યરત કરવા તેમજ ટ્રાફીક મોનીટરીંગ માટે સીસીટીવી કેમેરા અને અન્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો તેમજ લોકોમાં ટ્રાફીક નિયમનનું પાલન થાય તે માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવાની જરૂર છે.