જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાઇવોલ્ટેજ ડ્રામા,હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો

AAP સભ્યની ધરપકડથી રાજકારણ ગરમાયું, એક મતથી બદલાઈ શકે પરિણામ વચ્ચે ભાજપ-આપ આમને સામને

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાઇવોલ્ટેજ ડ્રામા,હાઇકોર્ટ સુધી પહોંચ્યો મામલો

જૂનાગઢ તા.25
જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં સર્જાયેલા રાજકીય ઘટનાક્રમે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. બગડુ બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડારની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થતાં ચૂંટણીનું રાજકારણ ગરમાયું હતું. AAPએ આ સમગ્ર કાર્યવાહી પાછળ ભાજપ અને પોલીસ તંત્રની મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જ્યારે પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીને સમાન 9-9 બેઠકો મળી હતી. આવી પરિસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની હતી. પરંતુ મતદાન સમયે AAPના એક સભ્ય સંજય પાઘડાર પોલીસ કસ્ટડીમાં હતા, જ્યારે બે સભ્યો મોડા પહોંચ્યા અને એક સભ્ય ગેરહાજર રહ્યા હતા. પરિણામે ભાજપે બહુમતી મેળવી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કબજે કર્યા હતા.
સંજય પાઘડાર વિરુદ્ધ મેંદરડાના દિનેશ વેકરીયાએ 7 લાખ રૂપિયાની છેતરપિંડી, મારપીટ અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. ફરિયાદીનો આક્ષેપ છે કે રોકાણના બહાને રૂપિયા લીધા બાદ પરત ન આપતા અને પૈસા માંગતાં હુમલો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ દરમિયાન સંજય પાઘડારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે તેમને ચૂંટણીના દિવસે જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાથી તેઓ મતાધિકારથી વંચિત રહી શકે છે. હાઇકોર્ટે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને અરજદારને પોલીસ બંદોબસ્ત સાથે મતદાન માટે લઈ જવા આદેશ કર્યો હતો. સાથે જ ચૂંટણી પ્રક્રિયા ખુલ્લી રાખવા તથા TDO-DDOને આદેશનું પાલન કરાવવા સૂચના આપવામાં આવી હતી.
સરકાર તરફથી રજૂઆતમાં કહેવાયું હતું કે અરજી ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ લાવવા માટે મોડેથી કરવામાં આવી છે અને ધરપકડ કાયદાકીય પ્રક્રિયાનો જ ભાગ છે. જોકે કોર્ટે નોંધ્યું હતું કે એક મત પણ ચૂંટણીના પરિણામને અસર કરી શકે છે અને ન્યાયના હિતમાં તાત્કાલિક રાહત જરૂરી છે.
AAPના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીએ આ સમગ્ર ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો. તેમનું કહેવું છે કે ભાજપે સત્તા મેળવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો છે અને AAPના સભ્યોને મતદાનથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી. ગગનીયાએ જણાવ્યું હતું કે સંજય પાઘડાર વિરુદ્ધ નોંધાયેલા ગુનાના આધારે નિયમસર કાર્યવાહી કરવામાં આવી છે.
ચૂંટણી દરમિયાન મોડા પહોંચેલા AAPના સભ્યો દક્ષાબેન ગજેરા અને ગોપાલ વઘેરાએ પણ તંત્ર પર પક્ષપાતના આક્ષેપો કર્યા હતા. દક્ષાબેને ટ્રાફિકના કારણે માત્ર એક મિનિટ મોડું થતાં મતદાનથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો.
અંતે પ્રમુખ પદ માટે ભાજપના ભોજક ઇન્દુબેન અનકભાઈ 9 મત સાથે વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ પર મારૂ અંજનાબેન દિવ્યેશભાઈને 14 મત મળતાં તેઓ બિનહરીફ સમર્થન સાથે ચૂંટાયા હતા. હવે આ સમગ્ર મામલે આગામી સુનાવણી 10 જૂન 2026ના રોજ હાઇકોર્ટમાં થવાની છે.