જૂનાગઢ શહેરથી ભવનાથ તળેટીનો રોડ એટલે ચંદ્રની સપાટીનો સાક્ષાત્કાર...!

શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા રસ્તાની મરામત કરવા ભાવિકોની માંગણી

જૂનાગઢ શહેરથી ભવનાથ તળેટીનો રોડ એટલે ચંદ્રની સપાટીનો સાક્ષાત્કાર...!

જૂનાગઢ તા. ૪
ગુજરાતનું સૌથી મોટું તિર્થક્ષેત્ર ગણાતા જૂનાઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં જવાના માર્ગોની હાલત અત્યંત ખરાબ હોવાના કારણે અહીં આવનારા શ્રધ્ધાળુઓ, ભાવિકોને ભારે મુશ્કલીનો સામનો કરવો પડી રહેલ છે. જૂનાગઢ શહેરનાં રસ્તા અંગેની વ્યાપક ફરીયાદો છે પરંતુ હવે તો ભવનાથ જવાનો રસ્તો પણ અત્યંત ખરાબ હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે ત્યારે શ્રાવણ માસનાં તહેવારો શરૂ થાય તે પહેલા ખરાબ રસ્તાઓની મરામત કરવાની બુલંદ માંગણી ઉઠી છે. પવિત્ર યાત્રાધામ એવા ભવનાથ ક્ષેત્ર કે જયાં તળેટીમાં આવેલ ગરવો ગિરનાર અને ગિરનારની ટોચ પર બિરાજતા જગત જનનીમાં અંબાજી માતાજીનું મંદિર, તથા ગુરૂ દત્તાત્રેય ભગવાનની ટુંક તેમજ ૩૩ કરોડ દેવતાઓનો જયાં વાસ છે તેવા આ ક્ષેત્રમાં અનેક ધર્મસ્થાનો આવેલા છે. જૂનાગઢ શહેરથી તળેટી જવાના માર્ગોની હાલત હાલ ખૂબજ ખરાબ છે. તળેટી જવાના માર્ગેથી જ ધામિર્ક જગ્યાઓ આવેલી છે. જેમાં વાઘેશ્વરી માતાજી મંદિર, ગાયત્રી માતાજી મંદિર, દામોદરકુંડ, મુચકુંદ ગુફા, રાધા દામોદરજી મંદિર, બેઠકજી તેમજ ત્યાંથી આગળ જતાં ભવનાથમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિર, વસ્ત્ર પાથેશ્વર મંદિર, ભારતી આશ્રમ, શ્રી ગોરક્ષનાથ આશ્રમ, પૂ. ઈન્દ્રભારતી બાપુનો આશ્રમ તેમજ લંબે હનુમાનજી મંદિર ઉપરાંત રાષ્ટ્રીય સંત પૂ. નમ્ર મુની મહારાજનાં માર્ગદર્શન હેઠળ ચાલતી સેવાકીય, ધામિર્ક કાર્યો સમા પારસધામ તેમજ તળેટીમાં જતા પૂ. લાલબાપુની જગ્યા, પ્રેરણાધામ, પૂ. પુનીતાચાર્યજી મહારાજનો સાધના આશ્રમ, પૂ. કાશ્મીરી બાપુની આમકુબીટમાં આવેલા આશ્રમ, તેમજ જંગલમાં આવેલી પૌરાણીક જટાશંકર મહાદેવની જગ્યા ઉપરાંત અનેક ધર્મસ્થાનો આવેલા છે તેમજ જૈન સંપ્રદાયના જૈન મંદિરો આવેલા છે.
આમ સાધુ, સંતો અને મહંતો, મહામંડલેશ્વરો જયાં બિરાજે છે તેવા ભવનાથ ક્ષેત્ર એટલે આધ્યાત્મિકતા અને સાધના માટેનું પાવનકારી ધામ છે, ગીરનાર અને ભવનાથ ક્ષેત્રની પાવનકારી ભૂમિમાં  પગ મુકતા જ ઈશ્વર સાથે અલૌકિક અનુભુતી થાય છે અને ચારે તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. તેમાં પણ ચોમાસાની ઋતુમાં પર્વતમાળામાંથી વહેતા ઝરણાનો અનન્ય લ્હાવો જાેવા મળે છે આવા પાવનકારી અને પવિત્રધામ ગણાતા ગિરનાર અને ભવનાથ તળેટીમાં આવેલા ધર્મસ્થાનોની મુલાકાતે દેશભરમાંથી પ્રવાસીઓ, યાત્રાળુઓ અને ભાવિકો સતત આવતા રહયા છે.
ભવનાથ તળેટીમાં જવા માટેના માર્ગો આજે અહીં આવનારા શ્રધ્ધાળુઓ માટે આફતનાં પડીકારૂપ બની રહયા છે એક તો પહેલેથી જ રસ્તાઓની ખરાબ હાલત છે ત્યાં ચોમાસાની ઋતુનાં પ્રારંભ સાથે જ તમામ માર્ગોની હાલત અતિ ખરાબ બની ગઈ છે.ભવનાથ ક્ષેત્રમાં બહારથી આવતા શ્રધ્ધાળુઓ અને જૂનાગઢ શહેરનાં લોકો, ભાવિકો પણ ભવનાથ ક્ષેત્રમાં આવેલા ધામિર્ક સ્થાનો અને સંતોનાં દર્શન તેમજ મંદિરોમાં પણ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ભવનાથ તળેટી જવાના માર્ગોને તાત્કાલીક અસરથી રીપેર અને મરામત કરવાની જરૂર છે. આગામી તા. ૧૩ ઓગષ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટી પડશે. શ્રાવણ માસને માત્ર ૯ દિવસ બાકી છે ત્યારે જૂનાગ્થી ભવનાથ તળેટી તરફ જવાના માર્ગોની મરામત કરવામાં આવે તેવી શ્રધ્ધાળુઓની લાગણી છે.