જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ, નિયમભંગ કરનારાઓ પાસેથી 38 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.17,500/- નો દંડ વસૂલ કરાયો
પ્લાસ્ટિક બેગ કે અન્ય પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે કડક સૂચના આપતા માન.કમિશનર પ્રભવ જોષી
જૂનાગઢ તા.11
રાજ્ય સરકારની 'સ્વચ્છ ગુજરાત, પ્લાસ્ટિક ફ્રી ગુજરાત' ઝુંબેશને વેગ આપવાના ભાગરૂપે આજ તા:11/06/2026ના રોજ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાની ટીમ દ્વારા સમગ્ર શહેરમાં એક સઘન સફાઈ ઝુંબેશ તેમજ કચરાના વર્ગીકરણ વિશે આઇ.ઈ. સી. એક્ટિવિટી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત જુનાગઢ શહેરના અલગ-અલગ વોર્ડમાં આવેલા મુખ્ય માર્કેટ એરિયા,મેઇન રોડ, સોસાયટી તેમજ તમામ જાહેર અને વધુ અવાર જવર થતા સ્થળોની આસપાસ વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરીને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન દરમિયાન કમિશનર પ્રભવ જોષી, નાયબ કમિશનર જયેશભાઈ પી.વાજા, સેનિટેશનસુપ્રી. કલ્પેશભાઈ જી.ટોલિયા, પ્રોજેક્ટ ઓફિસર હાજાભાઇ ચુડાસમા અને સુપરવાઈઝરો અને એસ.આઇની ટીમ દ્વારા વિવિધ બજારોમાં જઈને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સ્થાનિક વેપારીઓ, નાના દુકાનદારો તેમજ લારી-ગલ્લાવાળાઓને કાયદાકીય જોગવાઈઓની સમજ આપી હતી અને ભવિષ્યમાં પ્લાસ્ટિક બેગ કે અન્ય પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટે કડક સૂચના આપી ચેતવણી આપી હતી.આ સાથે જ ટીમ દ્વારા શહેરના દરેક વોર્ડમાં આવેલી દુકાનો અને વ્યાપારી એકમોમાં પ્લાસ્ટિકનું આકસ્મિક અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા આસામીઓ સામે કડક વહીવટી કાર્યવાહી કરીને સ્થળ પર જ વેપારીઓ પાસેથી 38 કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરી કુલ રૂ.17,500ની વસૂલાત કરવામાં આવી હતી.મહાનગરપાલિકા દ્વારા જુનાગઢના તમામ પ્રબુદ્ધ નાગરિકો,વેપારી મંડળો અને શાકભાજી-ફળોના વિક્રેતાઓને પર્યાવરણના રક્ષણ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવા અને જુનાગઢને પ્લાસ્ટિક મુક્ત, સ્વચ્છ અને ગ્રીન સિટી બનાવવામાં સંપૂર્ણ સહયોગ આપવા ખાસ અપીલ કરવામાં આવી છે.




