જૂનાગઢ સંગ્રહાલયની ‘તાજમંઝિલ’નું ભવ્ય લોકાર્પણ, રૂ.2.14 કરોડના ખર્ચે થયું રિનોવેશન
ઐતિહાસિક સંગ્રહાલય ફરી મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું; નવી ગેલેરીઓમાં જૂનાગઢના ઈતિહાસ અને કલાના અનોખા નમૂનાઓ જોવા મળશે
જૂનાગઢ તા.22
જૂનાગઢમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા સંગ્રહાલયની નવસર્જિત ‘તાજમંઝિલ’ ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારોહમાં રિબિન કાપીને તેમજ દીપ પ્રાગટ્ય કરીને તાજમંઝિલને જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
આશરે એક વર્ષથી રિનોવેશનની કામગીરીને કારણે બંધ રહેલું જૂનાગઢ સંગ્રહાલય હવે 22 ઓગસ્ટથી ફરી મુલાકાતીઓ માટે ખુલ્લું થયું છે. સરદારબાગ નજીક રાણી લક્ષ્મીબાઈ ચોક ખાતે આવેલા આ સંગ્રહાલયના નવીનીકરણ પાછળ કુલ રૂ.2 કરોડ 14 લાખ જેટલો ખર્ચ થયો છે. ખાસ કરીને પ્રદર્શનની કામગીરી માત્ર ત્રણ મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
નવનિર્મિત તાજમંઝિલમાં જૂનાગઢના ઈતિહાસ, કલા અને નવાબી સમયગાળાની સંસ્કૃતિ સાથે જોડાયેલી અનેક વસ્તુઓને વધુ સુવ્યવસ્થિત રીતે રજૂ કરવામાં આવી છે. અહીં પ્રાચીન હથિયારો, તોપ, બંદૂક, તલવાર, ભાલા અને કટારી સહિતની ઐતિહાસિક વસ્તુઓ સાથે પિત્તળ અને કાંસ્યના સાધનો, ચાંદીના વાસણો તેમજ નવાબી કાળમાં ઉપયોગમાં લેવાતી વિવિધ કિંમતી ચીજવસ્તુઓ પણ મુલાકાતીઓ જોઈ શકશે.
સંગ્રહાલયમાં બ્લ્યુ પોટરી, ટેરાકોટાના ફ્લાવર વાઝ, ચાંદીના સૌંદર્ય પ્રસાધનો, લાકડાના કોતરણીવાળા કબાટ, અરીસા, રંગીન કાચના ઝુમ્મર, પાલખી, અંબાડી, ચાંદીના દાગીના અને રમકડાં ઉપરાંત પટારા-પેટીઓ, રંગીન કાચની ક્રોકરી અને વિવિધ તસવીરો જેવા અનેક ઐતિહાસિક નમૂનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
તાજમંઝિલમાં ખાસ નવી ગેલેરીઓ તૈયાર કરવામાં આવી છે. તેમાં યુરોપિયન ગેલેરી, મિનિએચર પેઈન્ટિંગ ગેલેરી અને ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી ઉપરાંત જૂનાગઢના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલી આરઝી હકુમતને દર્શાવતી ગેલેરીનો પણ સમાવેશ થાય છે. જેના કારણે મુલાકાતીઓને જૂનાગઢના ભૂતકાળ અને સાંસ્કૃતિક વારસાને વધુ નજીકથી જાણવાની તક મળશે.
લોકાર્પણ બાદ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિત ઉપસ્થિત મહાનુભાવો અને મુલાકાતીઓએ સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. વિવિધ ઐતિહાસિક વસ્તુઓનું નિરીક્ષણ કરી તેના ઈતિહાસ અંગે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત ઇતિહાસપ્રેમીઓ, વિદ્યાર્થીઓ તથા સંગ્રહાલયના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


