જન્માષ્ટમી બાદ દ્વારકાધીશજીની છઠ્ઠી પૂજનવિધિ સંપન્ન જગતમંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી ધામિર્ક પરંપરા નિભાવાઈ

જન્માષ્ટમી બાદ દ્વારકાધીશજીની છઠ્ઠી પૂજનવિધિ સંપન્ન જગતમંદિરમાં શાસ્ત્રોક્ત વિધિથી ધામિર્ક પરંપરા નિભાવાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૦
યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ પરંપરા મુજબ છઠ્ઠી પૂજનવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના પાવન અવસર બાદ ભગવાન શ્રી દ્વારકાધીશજીના જન્મના છઠ્ઠા દિવસે યોજાતી આ પૂજા ધામિર્ક વિધિ-વિધાન સાથે સંપન્ન થઈ હતી. સામાન્ય રીતે પરિવારમાં બાળકનો જન્મ થાય ત્યારે છઠ્ઠા દિવસે છઠ્ઠ માતાજીની પૂજા કરવાની પરંપરા છે. આ વિધિને લોકબોલીમાં ‘છઠ્ઠી લોટાડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ જ પરંપરાને અનુરૂપ જગતના લાડલા ભગવાન શ્રીકૃષ્ણની પણ છઠ્ઠી ઉજવવામાં આવે છે. શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી બાદ છઠ્ઠા દિવસે જગતમંદિરમાં શ્રી દ્વારકાધીશજીનું ષષ્ઠી પૂજન કરવામાં આવ્યું હતું. જગતમંદિરના પૂજારી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પરંપરાગત વિધિ-વિધાન મુજબ પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશજીની છઠ્ઠીના આ ધામિર્ક પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને પૂજારી પરિવારે શ્રદ્ધા અને વિધિવત રીતે નિભાવી હતી.