જામકાનાં યુવાનની મર્ડર મિસ્ટ્રીનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરતી પોલીસ
મજાક અને ગાળાગાળીમાં ઉશ્કેરાયેલા યુવાને મૃતકનાં થાપામાં છરી વડે ઘા ઝીંકી દેતા ઘવાયેલા યુવાનનું રાજકોટ સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું
જૂનાગઢ તા. પ
જૂનાગઢ શહેરમાં હુતાશણીનું પર્વ રકતરંજીત બન્યું હતું. જેમાં મજાક મજાકમાં ગાળાગાળી બાદ એક મિત્રએ બીજા મિત્રને થાપામાં છરીનો ઘા ઝીંકી દેતાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા આ યુવાનને પ્રથમ જૂનાગઢ અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયુ હતું. અગાઉ અકસ્માતની નોંધવા જાેગ જાણ કરાઈ હતી પરંતુ યુવાનનું મૃત્યુ થવાનાં બનાવમાં આ યુવાનને ઈજાઓ થઈ હોય અને તેનાં કારણે મૃત્યુ થયાનું બહાર આવતાં આ ઘટનાના મુળ સુધી પોલીસે તપાસ હાથ ધરી અને મર્ડર મિસ્ટ્રીનાં બનાવનો ભેદ ઉકેલી નાખી આખરે ગણતરીનાં કલાકોમાં જ જામકાનાં યુવાનની હત્યાનાં ગુનામાં તેનાં મિત્રની ધરપકડ કરી અને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં જામકા ગામના ૧૯ વર્ષીય રાશીષ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકીને તેનાં મિત્ર રોનક ચૌધરીએ છરી મારી પતાવી દીધો હતો.
પોલીસે તપાસ કરી આરોપીને ઝડપી લીધો હતો. જામકા ગામે રહેતા રાશીષ ઉર્ફે ભયુ લાઈટ ડેકોરેશનના કામ માટે બોટાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. સોમવારે વહેલી સવારે જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. દરમ્યાન સોમવારે બપોરે સારવાર દરમ્યાન રાશીષ ઉર્ફે ભયુનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે વાત કરતા ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, મૃતક યુવક તેના ઘરેથી બોટાદ જવા માટે વિસાવદર રવિ સોલંકીને ત્યાં ગયો હતો બાદમાં રવિનો પિતરાઈ હર્ષદ સોલંકી ઈકો લઈને જૂનાગઢ આવતો હોય તેની સાથે શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે આવ્યો હતો. અમિત સોલંકી, રોનક ચૌધરી વગેરે ભેગા થયા હતા અને ત્યારબાદ કડીયાવાડમાં રહેતા મિત સોલંકીના ઘરે ગયા હતા. જ્યાં એપાર્ટમેન્ટ પાસે બેઠા હતા ત્યારે રોનક અને રાશીષ ઉર્ફે ભયુ મશ્કરી કરતા હતા તે દરમ્યાન રોનક ચૌધરીએ ઉશ્કેરાઈ જઈને પેન્ટના નેફામાંથી છરી કાઢી એક ઘા યુવકને થાપાના ભાગે ઝીંકી દેતા તે લોહીલોહાણ થઈ ગયો હતો. આથી તેને ઈકોમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાંથી તેને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન રાશીષ ઉર્ફે ભયુનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે મૃતકની બહેન નેહાબેનની ફરિયાદ લઈ આરોપી રોનક ઉર્ફે આરકે દિપકભાઈ ચૌધરી (ઉ.વ. ર૧) જૂનાગઢ ગાંધીગ્રામ ઝફર મેદાન વાળાની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. વિશેષમાં આ બનાવમાં આરોપી રોનકે રાશીષને ટુ-વ્હીલર પરથી પડી જવાથી ઇજા થયાનું જણાવી અકસ્માતની વાર્તા બનાવી હતી અને રાજકોટ સિવિલમાં રીફર કરાતા જ્યાં સારવારમાં મૃત્યુ થતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાયુ હતું જેમાં તિક્ષણ હથિયાર લાગવાથી ઇજા થઇ હોવાનું સામે આવતા રાશીષ ઉર્ફ ભયુની અરોપી રોનકે હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


