ઝાંઝરડા વિસ્તારમાં ટ્રાફીકને અડચણરૂપ દબાણો દુર કરાયા : ૪૦ વાહનોને દંડ ફટકાર્યો
ટ્રાફીક શાખાનાં ઈન્ચાર્જ પીએસઆઈ એસ.એન. જાડેજા અને સ્ટાફ દ્વારા કડક કાર્યવાહી
જૂનાગઢ તા. ૪
જૂનાગઢ શહેરનાં ટ્રાફીકથી સતત ધમધમતા ઝાંઝરડા ચોકડી અને તેને લગત માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણોનાં જમેલા રહયા હોવાને કારણે લોકોને તેમજ વાહન ચાલકોને અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. આ દરમ્યાન ગઈકાલે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દૂધનાં ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા વૃધ્ધનું મૃત્યુ થયાનો બનાવ બનવા પામ્યો હતો. અકસ્માતોની પરંપરા જયાં રહેલી છે તેવા ઝાંઝરડા ચોકડી વિસ્તાર અકસ્માત ઝોન તરીકે કુખ્યાત બનેલ છે ત્યારે વધુ કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલા માર્ગો ઉપરનાં દબાણો દુર કરવાની તાતી જરૂરીયાત ઉભી થવા પામી હતી. આ દરમ્યાન ગઈકાલે જૂનાગઢ ટ્રાફીક શાખાનાં ઈન્ચાર્જ પીએસઆઈ એસ.એન. જાડેજા તેમજ સ્ટાફ દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતુ અને સંખ્યાબંધ અડચણરૂપ દબાણો દુર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ ટ્રાફીક શાખાના પીએસઆઈ એસ.એન. જાડેજાના વડપણ હેઠળ ટ્રાફીક શાખાનો સમગ્ર સ્ટાફ હરકતમાં આવી ગયો હતો અને ઝાંઝરડા ચોકડી તેમજ ચારે દિશામાં પસાર થતાં માર્ગો ઉપર થયેલા કથિત દબાણો તેમજ આડેધડ પાર્કીંગ થયેલા વાહનો, આડેધડ ખડકાયેલ લારી- ગલ્લા, ખાણી પીણીનાં સ્ટોલો, કેબીનો સહિતનાં અડચણરૂપ બની રહેલા આ દબાણોને તાત્કાલીક અસરથી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ગેરકાયદેસર દબાણો દુર કર્યા હતા. તેમજ ૪૦ જેટલા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં ટ્રાફીકને નડતર રૂપ કોઈપણ દબાણો ચલાવી લેવામાં આવશે નહી. દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ સુચના ટ્રાફીક શાખા દ્વારા આપવામાં આવી હતી. ટ્રાફીક શાખા દ્વારા ગઈકાલે અડચણરૂપ દબાણો દુર કરવાની કામગીરીની સરાહના થઈ રહી છે તો સાથે જ આ કામગીરી કાયમને માટે આ પ્રકારની કામગીરી થતી રહે તેવી લોકોની અપેક્ષા છે.


