ટ્રમ્પના સંબોધનથી શેરબજાર કડડભુસ : સેન્સેક્સમાં ૧પ૦૦ પોઈન્ટનું ગાબડું

સોના-ચાંદીના ભાવોમાં પણ ભારે ઘટાડો : ક્રુડના ભાવો સળગ્યા

ટ્રમ્પના સંબોધનથી શેરબજાર કડડભુસ : સેન્સેક્સમાં ૧પ૦૦ પોઈન્ટનું ગાબડું

મુંબઈ,તા.૦૨:
મુંબઇ શેરબજારમાં આજે ફરી વાર મોટો કડાકો સર્જાયો હતો. મધ્ય પૂર્વમાં યુધ્ધવિરામની અટકળો ફગાવીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનનો ખાત્મો કરવાનું જ આક્રમણ વલણ જાહેર કરતાં ફરી વખત ગભરાટના માહોલ વચ્ચે વેચવાલીના મારા હેઠળ સેન્સેક્સમાં ૧૫૫૦ પોઇન્ટનો કડાકો સર્જાયો હતો. સોના-ચાંદી પણ ગગડ્યા છે જ્યારે ક્રૂડતેલ સળગ્યું છે.
મધ્ય પૂર્વના યુધ્ધ વિશે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના સંબોધન પર મીટ હતી તેઓ યુધ્ધ ખત્મ કરવાની જાહેરાત કરશે તેવી અટકળોથી વિપરીત ઇરાનને ખત્મ કરવાનું જ એલાન કરતા માર્કેટ ધસી પડ્યું હતું. ટ્રમ્પની આ જાહેરાતથી યુધ્ધમાં આવતા દિવસો વધુ ભારે અને વિનાશકારી બનવાની આશંકાથી ગભરાટ ઉભો થયો હતો અને તેની અસરે બજાર મંદીમાં ધકેલાઇ ગયું છે.
એશિયન બજારોમાં પ્રચંડ કડાકા વચ્ચે ભારતીય માર્કેટ પણ ગેપડાઉન જ ખુલ્યું હતું અને સતત વેચવાલીના મારા વચ્ચે વધુને વ ધુ નીચે સરકવા લાગ્યું હતું. વિદેશી નાણાં સંસ્થાઓએ આક્રમક વેચવાલીનો દોર જારી રાખતા તથા ક્રૂડતેલમાં વધુ તેજી સર્જાતા ગભરાટ વકર્યો હતો.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધની સમાપ્તિના આશાવાદ પર ટ્રમ્પે પાણી ફેરવી દેતા ગભરાટ સર્જાયો છે. હવે યુદ્ધ કેટલું ખતરનાક બને છે અને કેવા વળાંક આવે છે તેના પર શરૂઆતનો ટ્રેન્ડ નકકી થશે. શેરબજાર ઉપરાંત સોના-ચાંદીના ભાવોમાં પણ ભારે ઘટાડો થયો છે. જયારે ક્રુડના ભાવો ઉછળ્યા છે.