તાલાલા ખાતે તૃતીય પ્રતિભાશાળી ગુરૂ-શિષ્ય અભિવાદન સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો
(જાદવ ભોળા દ્વારા)
લોઢવા તા.ર૩
શ્રી તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત તૃતીય પ્રતિભાશાળી ગુરૂ-શિષ્ય અભિવાદન સન્માન સમારોહ-૨૦૨૬ તાલાલા આહીર સમાજ હોલ ખાતે ગૌરવપૂર્ણ અને ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના પવિત્ર ગુરૂ-શિષ્ય સંબંધને ઉજાગર કરવાનો મુખ્ય હેતુ હતો. આ કાર્યક્રમ હિરેનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં તાલાલા તાલુકાના વિવિધ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન સ્વરૂપે પ્રશસ્તિ પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ સન્માન સમારોહના અધ્યક્ષ હિરેનભાઈ બારડ દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવેલ તેમણે જણાવ્યું હતું કે શિક્ષક પરિવાર દ્વારા આવું સુંદર મજાનું આયોજન કર્યું અને શિક્ષકો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા તે બદલ શિક્ષક પરિવારને અભિનંદન પાઠવેલ. આ વિસ્તારનો શિક્ષણકાર્ય ખૂબ સારૂ છે અને વધુ સારૂ બને તે માટેના તમામ શિક્ષક પરિવાર પ્રયત્ન કરી રહ્યા છે તેમને પણ બિરદાવા લાયક છે. વધુમાં તેમણે જણાવેલું કે કોલેટી વાળું શિક્ષણ કાર્ય પર ધ્યાન આપવા સૌને આહવાન કરેલ. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રૂપે ડાયેટ પ્રાચાર્ય પંપાણીયા તથા સિનિયર લેક્ટરર ભરતભાઈ મેસિયા ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પોતાના માર્ગદર્શનાત્મક પ્રવચનમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા, શિક્ષકની પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગુરૂના માર્ગદર્શનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે શિક્ષકોને વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસાવવા પ્રેરણા આપી હતી. ખાસ આમંત્રિત મંચસ્થ મહાનુભાવોમાં દીપકભાઈ નિમાવત, રાજાભાઈ ગઢવી, રાજેશભાઈ રામાણી, અનિલભાઈ ગોહિલ, લલિતભાઈ ચાંડેરા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમના આયોજનમાં તાલાલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઈ ચાંડેરાના માર્ગદર્શન હેઠળ મહામંત્રી મયુરભાઈ વસોયા તથા સમગ્ર ટીમે સફળતા પૂર્વક આયોજન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક દાતાશ્રીઓએ પણ સહર્ષ આર્થિક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન શિક્ષકો, શિક્ષણપ્રેમી મહાનુભાવો, વાલીઓ તથા વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ઉદઘોષક મિત્રોએ અસરકારક રીતે કર્યું હતું. તાલાળા તાલુકાના જુદી જુદી શાળાના શિક્ષકો અને મહાનુભાવોએ હાજરી આપી હતી. તાલાલા તાલુકાની સમગ્ર શિક્ષક ટીમે પડદા પાછળ રહી અથાગ મહેનત કરીને કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ આયોજક કમિટી દ્વારા રાખવામાં આવેલ હતી. આ ગુરૂ-શિષ્ય અભિવાદન સન્માન સમારોહ તાલાલા તાલુકાના શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો હતો.


