દક્ષિણ ગુજરાતને વિકાસની મહાભેટ, સુરતથી PM મોદીએ આપ્યો વિકાસ અને આત્મનિર્ભરતાનો સંદેશ
સુરત તા.5
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાત દરમિયાન દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓ માટે રૂ. 18,778 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે વિકાસ, ગ્રીન એનર્જી અને આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
કાર્યક્રમ પૂર્વે વડાપ્રધાને હજીરા સ્થિત L&T પ્લાન્ટની મુલાકાત લઈને સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રે તૈયાર થઈ રહેલી ‘જોરાવર’ લાઇટ ટેન્ક અને ‘કે-9 વજ્ર’ હોવિત્ઝર ગનના ઉત્પાદનનું નિરીક્ષણ કર્યું હતું.
સંબોધનમાં તેમણે સુરતની સ્વચ્છતા, ગ્રીન ગ્રોથ અને ઔદ્યોગિક વિકાસની પ્રશંસા કરતાં જણાવ્યું કે સુરત આજે દેશ માટે એક પ્રેરણારૂપ શહેર બન્યું છે. તેમણે પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ અને વેસ્ટ ટુ વેલ્થ અભિયાનને વધુ મજબૂત બનાવવા અપીલ કરી હતી.
વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાત ગ્રીન એનર્જી અને ક્લાઈમેટ એક્શન ક્ષેત્રે દેશને માર્ગદર્શન આપતું રાજ્ય રહ્યું છે. સૌર ઊર્જા, ઇલેક્ટ્રિક પરિવહન અને ગ્રીન સ્ટીલ જેવા ક્ષેત્રોમાં ગુજરાતની આગેવાની દેશના ભવિષ્યને નવી દિશા આપી રહી છે.
રાજકીય મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દેશની જનતા વિકાસ અને સ્થિરતાને પસંદ કરે છે, જ્યારે અરાજકતા અને અનિશ્ચિતતાને નકારી રહી છે. તાજેતરના ચૂંટણી પરિણામો દેશના આ જ મિજાજનો સ્પષ્ટ સંદેશ આપે છે.
સુરત બાદ વડાપ્રધાન દમણ માટે રવાના થયા, જ્યાં તેમના હસ્તે વધુ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાનાર છે.



