દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થસ્થળ હર્ષદ(ગાંધવી) ખાતે ધારાસભ્ય મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવરાત્રિ શક્તિ પર્વ ૨૦૨૬ ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૧૯
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ(ગાંધવી) ખાતે રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, કમિશ્નરશ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત નવરાત્રી શક્તિ પર્વ ૨૦૨૬નો ધારાસભ્યશ્રી શ્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોએ માતાજીની આરતી કરી પ્રારંભ કરાવ્યો હતો. હરસિદ્ધિ માતાજીના સાનિધ્યમાં યોજાયેલ નવરાત્રી શક્તિ પર્વમાં પ્રસિધ્ધ કલાકાર શ્રી સાગર કાચા, શ્રી હર્ષલ શેઠ, શ્રી શિતલ ભુવા અને શ્રી મોહિત સંચારા દ્વારા ગરબા પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં સૌ ઉત્સાહ અને ભક્તિ સાથે જાેડાઈને ગરબે ઘૂમ્યાં હતા. નવરાત્રી એટલે માં શક્તિના પર્વ નિમિતે સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવતા ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, માતા હરસિદ્ધિના સાનિધ્યમાં નવરાત્રિની અષ્ટમી દિવસે રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, કમિશ્નરશ્રી યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર નવરાત્રી શક્તિ પર્વનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, ગરબોએ ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવી હતી જેના પરિણામે ગુજરાતનો ગરબો વિશ્વફલક પર અંકિત થયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આપણા શક્તિ કેન્દ્રો એવા અંબાજી, બહુચરાજી, પાવાગઢ, ચોટીલા, હર્ષદ સહિતના તીર્થસ્થળોએ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવે છે. વધુમાં ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ તીર્થસ્થળ હર્ષદ (ગાંધવી) ને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. માતા હરસિદ્ધિના સાનિધ્યમાં ઘુઘવતા દરિયા કિનારો અને સુંદર વન સંગમ સમાન આ સ્થળ દ્વારકા અને સોમનાથ વચ્ચે મહત્વનું પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થયું છે.


