નરસિંહ મહેતા સરોવર ખાતે પાર્કીંગની વ્યવસ્થાનો અભાવ : સતત ટ્રાફીક જામ

નરસિંહ મહેતા સરોવર ખાતે પાર્કીંગની વ્યવસ્થાનો અભાવ : સતત ટ્રાફીક જામ

જૂનાગઢ તા. ૩૧
જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવરની મુલાકાત રોજનાં હજારો લોકો લઈ રહયા છે પરંતુ ફરવા આવેલા લોકોનાં વાહનોનાં પાર્કીંગ માટેની કોઈ વ્યવસ્થા નહી હોવાને કારણે નરસિંહ મહેતા સરોવરની ફરતે વાહનોનાં ખડકલા થઈ રહયા છે અને ટ્રાફીક નિયંત્રણ તંત્ર ખોરવાઈ રહયું છે તાત્કાલીક અસરથી ટ્રાફીકનાં સંકલન અને વાહન પાર્કીંગની વ્યવસ્થા કરવાની માંગણી ઉઠવા પામી છે. 
જૂનાગઢ શહેરના અત્યંત રમણીય સ્થાન એવા નરસિંહ મહેતા સરોવરને તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મુકાયા બાદ લોકોનો પ્રવાહ સરોવરની મુલાકાતે સતત જઈ રહયો છે. નિયત સમય મર્યાદામાં બપોરનાં સમયે તેમજ રાત્રીનાં સમયે પણ ભારે ટ્રાફીક રહે છે. નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ તો કરી નાખવામાં આવ્યું છેુ પરંતુ હજુ પણ કેટલીક સુવિધાઓ ઉભી કરવાની જરૂરીયાત છે અને બાકી રહેલા કામો માટે અંદાજીત પ થી ૭ કરોડની રકમ પણ સરકાર પાસે માંગવાની દરખાસ્ત મુકવામાં આવી છે. 

જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરોવરની બાકી રહેલી કામગીરી માટે નાણાં પુરા પાડશું જ તેવુું વચન પણ આપી દીધેલુ છે ત્યારે નગરજનો એવી આશા રાખી રહયા છે કે, સરકારશ્રી તરફથી ફાળવવામાં આવનારી વધુ ગ્રાન્ટમાં યોગ્ય અને સારી રીતે સુવિધાજનક ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તે પણ એટલું જ જરૂરી છે.
ગત બુધવારે નરસિંહ મહેતા સરોવરનાં લોકાર્પણ થયાનાં ગણતરીનાં સમયમાં જ નરસિંહ મહેતા સરોવરની મુલાકાતે માનવ મહેરામણ ઉમટી પડયો હતો અને પ્રસંશાનાં સુરો પણ વહાવ્યા છે. સરોવરમાં હાલ જે સુવિધા અને શણગાર તેમજ નયનરમ્ય નજારો ઉભો કરવામાં આવ્યો છે તેને નિહાળી લોકો ખુશ થયા છે આ સાથે જ આદ્ય કવિ નરસિંહ મહેતાની જે પ્રતિમા મુકવામાં આવી છે તે પ્રતિમાનાં દર્શન કરીને પણ પ્રસંશાનાં પુષ્પો આપી રહયા છે. એક તરફ હાલની નરસિંહ મહેતા સરોવરની વિકાસની જે કંઈ સ્થિતિ છે તેના વખાણ તો થઈ રહયા છે પરંતુ સાથે ખાસ કરીને હાલનાં સમયગાળામાં ટ્રાફીકની કોઈપણ જાતની નિયમનની કોઈ વ્યવસ્થા નથી. નરસિંહ મહેતા સરોરવનાં રીંગ રોડ ઉપર જાેશું તો પેટ્રોલ પંપથી છેક તળાવ ફાટક સુધીનાં વિસ્તારમાં આડેધડ વાહનોનાં પાર્કીંગ થયેલા પ્રસ્તુત તસ્વીરમાં જાેવા મળે છે તેમાં લોકોનો પણ કોઈ વાંક નથી કારણ કે નરસિંહ મહેતા સરોવર ખુલ્લુ મુકતા પહેલા પાર્કીંગ માટેની જે વ્યવસ્થા થવી જાેઈએ તે થઈ નથી જેને લઈને નરસિંહ મહેતા સરોવર માર્ગ ઉપર વાહનોનાં ખડકલા જાેવા મળી રહયા છે. અનેકવાર ટ્રાફીક જામની સ્થિતિ પણ સર્જાય છે જેથી આ બાબતે સંબંધીત તંત્ર દ્વારા તાત્કાલીક પાર્કીંગની વ્યવસ્થા કરવા માંગણી ઉઠવા પામી છે.