બરડા ડુંગર વિસ્તારમાં ગંડીયા વાળા નેસ નજીકથી બે દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ
રાણાવાવ પોલીસે સર્ચ ઓપરેશન કરી ૬૦૦ લિટર આથો અને સાધનો સાથે રૂા.૨૦,૪૭૫નો મુદ્દામાલ ઝડપી પાડયો : બંને બુટલેગરોની શોધખોળ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૬
બરડા ડુંગર વિસ્તારમાં આવેલ ગંડીયાવાળા નેસ નજીક રાણાવાવ પોલીસે દેશી દારૂ બનાવતી બે અલગ-અલગ ભઠ્ઠીઓ પર દરોડા પાડી કુલ ૬૦૦ લિટર દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા.૨૦,૪૭૫નો મુદ્દામાલ ઝડપી પાડ્યો અને પોલીસે બંને ભઠ્ઠીઓનો નાશ કરી બૂટલેગરો વિરૂદ્ધ પ્રોહીબિશન હેઠળ ગુન્હા નોંધ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગર દ્વારા પોલીસ સ્ટાફને બરડા ડુંગર અને જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ હકીકતના આધારે દરોડા પાડવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.વી. મોરી તથા સ્ટાફે બરડા ડુંગરમાં ઉપલા ગંડીયાવાળા નેસથી પશ્ચિમે અંદાજે ૧.૫ કિ.મી. દૂર ટેકરી વિસ્તારમાં દરોડો પાડી ભરત રાજાભાઈ કોડીયાતરની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી. અહીંથી ૨૦૦ લિટર દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા.૭,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ ઉપલા ગંડીયાવાળા નેસથી દક્ષિણ તરફ અડધો કિલોમીટર દૂર પાણીની જરમાં દરોડો પાડી ઉમેશ રામાભાઈ મોરીની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી. અહીંથી ૪૦૦ લિટર દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂા.૧૨,૬૭૫નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બંને આરોપીઓ સ્થળ પર હાજર ન મળતા પોલીસે તેમની વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ પ્રોહીબિશન ગુન્હા નોંધ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.


